નેશનલ

મોરબી બ્રિજ દુર્ઘટના ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને બે મેનેજર જવાબદાર

અમદાવાદ: ઓરેવા કંપનીની ગંભીર વહીવટીય અને તકનીકી ક્ષતિઓને કારણે ગત વર્ષે ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટના સર્જાઇ હોવાની વિગતો એસઆઇટીના રિપોર્ટમાં મંગળવારે ગુજરાત હાઇ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સહિત બે મેનેજરો જવાબદાર જણાઇ રહ્યા છે, તેવું જણાવી એસઆઇટી રિપોર્ટમાં જણાવાયું હતું કે ઓરેવા કંપનીના મેનેજમેન્ટ દ્વારા કામગીરી માટેનો અયોગ્ય અભિગમ સૌથી ગંભીર અને દુ:ખદ માનવ આપત્તિઓમાં પરિણમ્યો હતો. મોરબીમાં મચ્છુ નદી પરનો બ્રિટિશ સમયનો ઝૂલતો પુલ
ગયા વર્ષે ૩૦ ઑક્ટોબરે તૂટી પડ્યો હતો. જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા અને ૫૬ લોકો ઘાયલ થયા હતા.

મોરબી નગરપાલિકાએ બ્રિજનું સમારકામ ઓરેવા કંપનીને આપ્યું હતું જેણે બિન-સક્ષમ એજન્સીને કામ સોંપ્યું હતું અને ટેકનિકલ નિષ્ણાતોની સલાહ લીધા વિના કામ હાથ ધરવામાં આવ્યું હતું, એમ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે ફાયનલ રિપોર્ટમાં જણાવ્યું હતું.

મોરબી નગરપાલિકાએ બ્રિજના સમારકામની કામગીરી અસક્ષમ એજન્સીને સોંપી હતી અને જે કામગીરી કરવાની હતી તેમાં કોઇ તકનીકી નિષ્ણાતોની સલાહ પણ લેવામાં આવી ન હતી તેવું એસઆઇટીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત રિનોવેશન બાદ બ્રિજની ડિઝાઇનમાં પણ ખામીઓ જોવા મળી હતી જે તેના ધરાશાયી થવામાં કારણરૂપ બની હતી.

આ દુર્ઘટના સરકારી ધોરણો અનુસાર યોગ્ય પ્રક્રિયાને અનુસરવામાં વહીવટી સ્તરે થયેલી ક્ષતિઓનું પરિણામ છે, તેમજ પુલનું સમારકામ કરવામાં અને તેને લોકો માટે ખુલ્લો મુકતા પહેલા તેનું પરીક્ષણ કરવાની તકનીકી અસમર્થતાના કારણે સર્જાઇ છે એવું એસઆઈટીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી. માયીની ડિવિઝન બેંચ આ દુર્ઘટના પર સુઓમોટો અરજીની સુનાવણી કરી રહી છે.

જો કંપનીએ આ ક્ષેત્રમાં વ્યાવસાયિક નિષ્ણાત હોય તેવી એજન્સીઓની મદદ લીધી હોત તો બ્રિજનું સમારકામ હાથ ધરવા માટે વધુ સારા પગલા લેવાઇ શકાયા હોત. ઉપરાંત સમારકામ પૂરું થયા પછી અને બ્રિજને મોટાપાયે લોકો માટે ખુલ્લો મૂકતા પહેલા ઓરેવા કંપનીએ તેનો ફિટનેસ રિપોર્ટ મેળવવો જોઈતો હતો અને તેમાં નગરપાલિકાની સલાહ લેવી જોઇતી હતી, એમ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂ કરેલા એસઆઈટીના અહેવાલમાં જણાવાયું હતું.

ઓરેવા ગ્રૂપ અને મોરબી નગરપાલિકા વચ્ચે પુલની જાળવણી અને સંચાલન અંગેના કરારને રિન્યુ કરવામાં આવ્યા બાદ કંપનીએ દેવ પ્રકાશ સોલ્યુશનને કોન્ટ્રાક્ટ આપતા પહેલા નિષ્ણાત એજન્સીનો ટેક્નિકલ અભિપ્રાય લેવામાં અથવા નાગરિક સંસ્થાનો સંપર્ક કરવામાં કંપની નિષ્ફળ રહી હતી.

બ્રિજ પર ફરવા આવતા લોકોની સંખ્યા પણ નિર્ધારિત કરવામાં આવી ન હતી. અમર્યાદ લોકોને ટિકિટની વહેંચણી કરવામાં આવી.

ઓરેવા ગ્રૂપના જણાવ્યા મુજબ, તેમણે સ્થાનિક સત્તાવાળાઓ સાથે પુલની જાળવણી અને સંચાલન માટે કરેલા પ્રારંભિક એમઓયુની સમાપ્તિ પછી પુલની જર્જરિત સ્થિતિ અંગે સંબંધિત સત્તાવાળાઓને ઘણા પત્રો મોકલ્યા હતા, કંપનીએ યુઝર ચાર્જ વધારવાની પણ વિનંતી કરી હતી જેને સંબંધિત સત્તાવાળાઓએ નકારી કાઢી હતી. સંબંધિત સત્તાવાળાઓએ કંપનીને કહ્યું હતું કે, જૂનો ચાર્જ યથાવત્ રાખો અથવા પુલનો કબજો અમને પરત કરો. આથી કંપની દ્વારા પણ પુલના બાંધકામની ગુણવત્તા સુધારવા કોઇ સુધારાત્મક પગલા લેવાયા ન હતા.

નગરપાલિકાના ત્રણ સભ્યો-તત્કાલીન પ્રમુખ, ઉપપ્રમુખ અને એક્ઝિક્યુટિવ કમિટીના ચૅરમૅન- તેમના દ્વારા પણ ક્ષતિઓ થઇ હોવાનો તપાસ અહેવાલમાં ઉલ્લેખ છે. કારણ કે તેઓ કંપનીના સંચાલન, જાળવણી અને સંચાલન માટે કંપનીના કરારને જનરલ બોર્ડ સમક્ષ ઠરાવ માટે લાવવામાં નિષ્ફળ ગયા હતા.

૧૮૮૭માં બનેલા પુલના સમારકામમાં ઘણી તકનીકી ક્ષતિઓ હતી, કારણ કે મુખ્ય કેબલ અને સસ્પેન્ડર્સનું કોઈ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું ન હતું, અને મુખ્ય કેબલનું ન તો નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કે ન તો તેને બદલવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં એવી પણ ભલામણ કરવામાં આવી છે કે તમામ જાહેર બાંધકામો માટે રજિસ્ટર જાળવવામાં આવે અને લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા આવા કોઈપણ માળખાનું સમયાંતરે નિરીક્ષણ કરવામાં આવે.

સમગ્ર મામલે હાઇ કોર્ટે સરકારને પણ સવાલ કર્યા હતા કે ઓરેવા કંપનીએ પાલિકા સાથે કરેલા મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કરવા બદલ અને તેમના પરિવારના પુરુષ સભ્યોના મૃત્યુને કારણે લાચાર બની ગયેલી મહિલાઓને વળતર આપવા બદલ કંપની સામે શા માટે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. હાઇ કોર્ટે રાજ્ય સરકારને પીડિતોના પુનર્વસન અંગે સ્વતંત્ર અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ કર્યો હતો.

હાઈ કોર્ટે કંપનીને એફિડેવિટ ફાઈલ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો કે તે દુર્ઘટનામાં અનાથ બાળકોના પુનર્વસન માટે શું આયોજન કરી રહી છે. કેસની આગામી સુનાવણી દિવાળી વેકેશન પછી હાથ ધરવામાં આવશે. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button