કોવિંદ સમિતિએ બંધારણમાં ૧૮ સુધારા સૂચવ્યા

લોકસભા, વિધાનસભાની ચૂંટણી સાથે યોજવા ભલામણ
વન નેશન, વન ઈલેક્શન: વન નેશન, વન ઈલેક્શન અંગેની ઉચ્ચસ્તરીય સમિતિના અધ્યક્ષ રામનાથ કોવિંદે ગુરુવારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને અહેવાલ સુપરત કર્યો હતો. (એજન્સી)
નવી દિલ્હી: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ દેશમાં યોજાતી ચૂંટણીના સંબંધમાં બંધારણમાં ૧૮ સુધારા સૂચવ્યા હતા તેમ જ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજવાની ભલામણ કરી હતી.
આ ઉપરાંત, લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજ્યા બાદ ૧૦૦ દિવસમાં જ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજવાની ભલામણ કરી હતી. તેણે રાષ્ટ્રપતિને સુપરત કરેલા અહેવાલમાં દેશના ચૂંટણી પંચને રાજ્યોના ચૂંટણી પંચની સાથે મળીને એક સમાન મતદાર યાદી અને મતદારોના ઓળખપત્રો તૈયાર કરવાનું સૂચન કર્યું હતું.
સમિતિએ જણાવ્યું હતું કે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના સિદ્ધાંતના અમલ માટે બંધારણની કલમ ૩૨૫માં સુધારો કરીને દેશના ચૂંટણી પંચે રાજ્યોના ચૂંટણી પંચની સાથે મળીને સમાન મતદાર યાદી તૈયાર કરવી જોઇએ. આ ઉપરાંત, નગરપાલિકાઓ, પંચાયતોની ચૂંટણી લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની સાથે યોજવા માટે બંધારણની કલમ ૩૨૪એમાં જરૂરી સુધારાવધારા કરવાની આવશ્યકતા છે.
સમિતિએ લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી સાથે યોજ્યા બાદ ૧૦૦ દિવસમાં જ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પણ યોજવાની ભલામણ કરી હતી.
કોવિંદ સમિતિના ૧૮,૦૦૦થી વધુ પાનાંના અહેવાલમાં જણાવાયું હતું કે ત્રિશંકુ લોકસભા રચાય અથવા સરકારની સામે અવિશ્ર્વાસની દરખાસ્ત પસાર થાય કે આવી કોઇ અન્ય ઘટના બને, તો નવી લોકસભાની રચના માટે નવેસરથી ચૂંટણી યોજાવી જોઇએ.
તેણે દેશના ચૂંટણી પંચ દ્વારા રાજ્યના ચૂંટણી અધિકારીઓની સાથે સલાહમસલત કરીને સમાન મતદાર યાદી અને મતદારોના ઓળખપત્રો તૈયાર કરવાની ભલામણ પણ કરી હતી, કારણ કે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી દેશના ચૂંટણી પંચ દ્વારા યોજાય છે, જ્યારે નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીનું આયોજન રાજ્યનું ચૂંટણી પંચ કરે છે.
સમિતિએ બંધારણમાં અમુક ચૂંટણીલક્ષી સુધારાવધારા કરવાની ભલામણ કરી હતી. તેણે અહેવાલમાં જણાવ્યું હતું કે દેશમાં દર વર્ષે ઘણી ચૂંટણી યોજાય છે અને તેને લીધે સરકાર તેમ જ અન્ય સંબંધિત સંસ્થાઓ અને સમાજ પર ઘણો આર્થિક બોજ આવી પડે છે અને માનવબળની ખેંચ ઊભી થાય છે.
કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિના અન્ય સભ્યોમાં કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ, નાણાં પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ એન. કે. સિંહ, લોકસભાના ભૂતપૂર્વ મહામંત્રી સુભાષ કશ્યપ, રાજ્યસભામાંના વિપક્ષના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદ અને કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાળનો સમાવેશ થાય છે. (એજન્સી)