રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કર્ણાટક સરકાર કરશે શાનદાર ઉજવણી
કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારે આપ્યું સૌથી મોટું નિવેદન
થિરુવનંતપુરમ/બેંગલુરુ: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિરના ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજકીય પક્ષોના નેતાઓએ નિવેદનો આપીને દેશમાં વિવાદો ઊભા કર્યા છે ત્યારે કર્ણાટક સરકારે પણ સૌથી મોટી જાહેરાત કરીને કહ્યું છે કે સરકાર પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરશે. કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે કહ્યું છે કે અંતે આપણે બધા હિન્દુ જ છીએ.
22 જાન્યુઆરીના સોમવારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ સાથે કર્ણાટકમાં પણ ઉજવણી કરવામાં આવેશે એવો નિર્ણય કર્ણાટકમાં સિદ્ધારમૈયાની સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જ્યારે રાજ્યના દરેક મંદિરોમાં પ્રાર્થના-દીવડા પ્રગટાવવાની જાહેરાત કરી છે. આ મુદ્દે કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે કહ્યું હતું કે સરકારનો બચાવ કરતા કહ્યું હતું કે અમે બધા પણ હિંદુ છીએ.
રામ મંદિરને લઈને કોંગ્રેસ પાર્ટીના અન્ય નેતાઓને આમંત્રણ મળ્યા છતાં ત્યાં જવું કે ના જવું એ બાબતે વિચાર ચાલી રહ્યા છે. આ મુદ્દે ડીકે શિવકુમાર રામચંદન ફાઉન્ડેશનના પુસ્તક કાર્યક્રમ માટે કેરળ પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાનની એક સભામાં સરકારના આ નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આખરે આપણે બધા હિન્દુ જ છે. ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા પિક એન્ડ ચૂઝ પદ્ધતિ આપવાની રહી છે. રામ મંદિરના કાર્યક્રમમાં કોણ સામેલ થશે કોણ નહીં તેનો નિર્ણય કેન્દ્ર સરકાર કરે છે. રામ મંદિર કોઈની ખાનગી સંપતિ નથી, એમ શિવકુમારે જણાવ્યું હતું.
શિવકુમારે કોંગ્રેસ સરકારના રાજ્યભરના મંદિરોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. શિવકુમાર મુજબ ભાજપ દ્વારા અયોધ્યા આવનારા નેતાઓની પસંદગી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે દેશમાં અનેક નેતા અને મુખ્ય પ્રધાનો છે. રામ મંદિર કોઈની ખાનગી સંપતિ નથી, તે સાર્વજનિક છે. કોઈ પણ ધર્મ અને પ્રતીક કોઈ વ્યક્તિનું નથી. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ માટે આમંત્રણ મળ્યું છે.
શિવકુમારે કહ્યું હતું કે અમે તમામ ધર્મના લોકોની ભાવનાઓનું સન્માન કરીએ છીએ. અમારી સરકારમાં લઘુમતીઓ, અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ (ઓબીસી) અને હિંદુ ધર્મ માટે એક અલગ વિભાગ છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળે એક સરકારી ટ્રસ્ટે રામ મંદિરનું નિર્માણ કરવાનું સમર્થન કર્યું હતું અને મસ્જિદ માટે પાંચ એકરના પ્લોટની વૈકલ્પિક જગ્યા ફાળવવાનો ચુકાદો આપ્યો હતો.