કાચા હીરાની આયાત કામચલાઉ બંધ કરાશે
મુંબઈ: સ્થાનિક વેપારીઓની ઈન્વેન્ટરી વધુ હોવાથી અને વૈશ્ર્વિક માગ ઘટી રહી હોવાથી રફ હીરાની આયાત ૧૫મી ઑક્ટોબરથી બે મહિના માટે બંધ કરવાની વિનંતી. હીરા ઉદ્યોગની સંસ્થાઓએ સભ્યોને કરી છે. જેમ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) ભારત ડાયમંડ બુર્સ, સુરત ડાયમન્ડ બુર્સ, મુંબઈ ડાયમંડ મર્ચન્ટસ એસોસિયેશન અને સુરત ડાયમંડ એસોસિયેશને મંગળવારે એક સર્કયુલર બહાર પાડી સભ્યોને કહ્યું હતું કે વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨માં લૂઝ પોલિશ્ડ હીરા અને જ્વેલરીની માગ અમેરિકા અને ચીન જેવા મોટા ગ્રાહકોની અધિક હતી. જે છેલ્લા કેટલાક સમયથી ઘટી છે. જાન્યુઆરી-ઑગસ્ટ દરમ્યાન અને સપ્ટેમ્બર દરમ્યાન ભારતથી થતી નિકાસ ૨૫ ટકા ઘટી છે. માગ અને પુરવઠામાં અસંતુલન થવાથી પોલિશ્ડ હીરાની ઈન્વેન્ટરી વધી છે, અને કિંમતમાં પણ ઘટાડો થયો છે. માઈનિંગ કંપનીઓ રફ હીરાનું વેચાણ સતત કરી રહી છે તેવું પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું. આવા સંજોગોમાં ૧૫મી ઑક્ટોબરથી ૧૫ ડિસેમ્બર ૨૦૨૩માં રફ હીરાની આયાત બંધ કરવા સભ્યોને વિનંતી કરવામાં આવે છે. પરિસ્થિતિની સમીક્ષા ડિસેમ્બર ૨૦૨૩ના પ્રથમ સપ્તાહમાં ફરી કરવામાં આવશે તેવું પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું.