પરિણીતાએ ભાઇને કિડની આપવાની જાણ ન કરતા પતિએ આપી દીધા તલાક
ઉત્તરપ્રદેશ: ગોંડા જિલ્લામાં ટ્રીપલ તલાકનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પતિએ 20 વર્ષના લગ્નજીવનનો વ્હોટ્સએપ પર જ અંત આણી દીધો. પરિણીતાએ પોતાના ભાઇનો જીવ બચાવવા માટે તેને પોતાની કિડનીનું દાન કર્યું હતું. આ અંગે તેણે પતિને જાણ ન કરતા નારાજ પતિએ વ્હોટ્સએપ પર તેને ટ્રિપલ તલાકનો મેસેજ મોકલી દીધો હતો. જે બાદ હવે પીડિત પત્નીએ પોલીસને ફરિયાદ કરીને ન્યાયની ગુહાર લગાવી છે.
ગોંડા જિલ્લાના ધાનેપુર વિસ્તારમાં રહેતી તરન્નુમના નિકાહ 20 વર્ષ પહેલા જેતપુરના રહેવાસી અબ્દુલ રશીદ ઉર્ફે મોહમ્મદ રાશિદ સાથે થયા હતા પરંતુ લગ્ન બાદ સંતાનનો જન્મ ન થતા પત્ની તરન્નુમની સંમતિથી રાશિદે બીજા નિકાહ પણ કરી લીધા હતા. એ પછી તે નોકરી માટે સાઉદી જતો રહ્યો હતો. આ દરમિયાન તરન્નુમના ભાઈ શાકિરની તબિયત બગડી હતી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, તેની બંને કિડની ખરાબ છે. જીવ બચાવવા માટે કિડનીની જરૂર છે. પરિણામે તરન્નુમે પોતાની એક કિડની આપીને ભાઈનો જીવ બચાવ્યો.
જો કે તેની ફક્ત એક જ ભૂલ હતી કે તેણે આ માટે તેના પતિની પરવાનગી લીધી નહોતી. જ્યારે આ વાતની જાણકારી રાશિદને થતા તેણે ગુસ્સે થઈને ફોન પર ટ્રિપલ તલાક આપી દીધા. પોતાના પતિના વલણથી પરેશાન તરન્નુમે એસપીને મળીને ન્યાયની વિનંતી કરી. એસપીના આદેશ પર પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
કેટલાક મીડિયા અહેવાલો મુજબ પોલીસે પહેલા ફરિયાદ લેવામાં આનાકાની કરી હતી પરંતુ એસપીના આદેશ બાદ તેણે કેસ નોંધ્યો હતો. તરન્નુમનો આરોપ છે કે પતિએ પોલીસ ફરિયાદ કરી હોવાની જાણ થતા ફરિયાદ પાછી લેવાનું દબાણ કર્યું હતું, તેમજ હત્યાની ધમકી પણ આપી હતી. હાલ તે તેના ભાઇ સાથે તેના પિયરમાં રહે છે.