નેશનલ

બીમાર પત્નીથી છુટકારો પામવા પતિએ કરી હતી ડિવોર્સની અરજી

કોર્ટે કહ્યું આ રીતે છુટાછેડા ન થઇ શકે

એક મહત્વપૂર્ણ ચુકાદામાં બોમ્બે હાઇ કોર્ટે જણાવ્યું હતું કે જો જીવનસાથી લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતા હોય તો ફક્ત આ જ કારણ છૂટાછેડાનો આધાર ન બની શકે. બોમ્બે હાઇ કોર્ટે હિંદુ મેરેજ એક્ટનો હવાલો આપીને કહ્યું હતું કે એક્ટ મુજબ જો પાર્ટનર એપિલેપ્સીથી પીડિત હોય તો તેને છૂટાછેડાનું કારણ ગણી શકાય નહિ.

કોર્ટે એમ પણ કહ્યું કે ઘણા બધા તબીબી પુરાવા છે, જે દર્શાવે છે કે આવી કોઈપણ સ્થિતિ પતિ-પત્ની વચ્ચે સાથે રહેવામાં કોઈ સમસ્યા ઊભી કરશે નહીં, એમ કહીને હાઇ કોર્ટની ડિવિઝન બેન્ચે 2016ની ફેમિલી કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. જસ્ટિસ વિનય જોશી અને જસ્ટિસ વાલ્મિકી એસએ મેંગેસની બેન્ચે પતિ દ્વારા પત્ની પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા.


ડિવોર્સની અરજી દાખલ કરનાર પતિએ બીમાર પત્ની પર આક્ષેપ કર્યો હતો કે પત્નીનું તેની વાઇની બીમારીને કારણે માનસિક સ્વાસ્થ્ય પણ કથળી ગયું છે અને વારંવાર આત્મહત્યાની ધમકી આપે છે. વાઈની બીમારી એ અસાધ્ય રોગ છે.


પત્નીના પક્ષ દ્વારા પત્નીની સારવાર કરનાર ન્યુરોલોજિસ્ટનું નિવેદન કોર્ટમાં આપવામાં આવ્યું હતું, એ મુજબ મહિલાને મગજનો હુમલો હતો, વાઈનો રોગ નથી. કોર્ટે કહ્યું હતું કે ‘એક પ્રોફેશનલ ન્યુરોલોજિસ્ટ એક્સપર્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, એપિલેપ્સી એવી સ્થિતિ છે કે તેનાથી પીડિત વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે છે.’ આ સાથે જ બાદમાં કોર્ટને એવું પણ જાણવા મળ્યું હતું કે કેસ જીતવા પત્ની આત્મહત્યા કરવા માગે છે તેવો જૂઠો પત્ર પતિએ લખ્યો હતો તેમજ તેણે અગાઉ પત્નીને ઘરમાંથી કાઢી મુકવાની ધમકી પણ આપેલી છે. આ હકીકત બહાર આવતા કોર્ટે પત્નીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button