ભારત અને મોદીનું અપમાન માલદીવને ભારે પડ્યું
ત્રણ પ્રધાન સસ્પેન્ડ: ટાપુઓના આ દેશનો બહિષ્કાર કરવા હાકલ
માલે: માલદીવના ત્રણ પ્રધાનને ભારત અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા અને અપમાન કરવાનું ભારે પડ્યું છે અને માલદીવની સરકારને પોતાના ત્રણ પ્રધાનને સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી.
દરમિયાન, ભારતના અનેક ફિલ્મ કલાકારો, ક્રિકેટરો સહિતની જાણીતી વ્યક્તિઓ અને સામાન્ય જનતા દ્વારા માલદીવનો બહિષ્કાર કરવાની અપીલ કરવાની કરાયેલી હાકલને લીધે ટાપુઓની માળા ધરાવતો આ દેશ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે અને ભારત સાથેના સંબંધ વધુ ન વણસે તે માટે વિવિધ પગલાં લેવાનું શરૂ કર્યું હતું.
મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લક્ષદ્વીપ ખાતેના પોતાના પ્રવાસની વિવિધ પોસ્ટ અને વીડિયો ક્લિપ્સ મૂકી હતી અને તે પછી માલદીવના પ્રધાનો – મરિયમ શિઉના, માલશા શરીફ, અબદુલ્લા મહઝૂમ મજિદે ભારત અને મોદીની ઠેકડી ઉડાડતી પોસ્ટ સોશિયલ
મીડિયા પર મૂકી હતી.
માલદીવ સરકારે આ ત્રણે પ્રધાનના નિવેદન તેઓના અંગત હોવાની સ્પષ્ટતા કરી હતી અને પાડોશી દેશ ભારત અને તેના વડા પ્રધાન મોદીનું અપમાન કરવા બદલ તેઓને સસ્પેન્ડ કર્યા હતા.
મરિયમ શિઉના અને માલશા શરીફે ઇમોજી સાથે ‘એક્સ’ પર મોદીની લક્ષદ્વીપને લગતી પોસ્ટ અને વીડિયો ક્લિપ્સની ઠેકડી ઉડાડી હતી.
માલદીવની યુતિ સરકારના ઘટક પક્ષ પ્રોગ્રેસિવ પાર્ટી ઑફ માલદીવના કાઉન્સિલ મેમ્બર ઝહીદ સમીઝે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું હતું કે ભારત ક્યારેય પર્યટન ક્ષેત્રે માલદીવની બરાબરી કરી નહિ શકે. ભારત પર્યટકોને માલદીવ જેવી સારી ઑફર નથી કરતું.
માલદીવના ભૂતપૂર્વ પ્રમુખ ઇબ્રાહિમ મહંમદ સાલિહે આ પ્રધાનો દ્વારા સોશિયલ મીડિયા પર મુકાયેલી પોસ્ટની ટીકા કરી હતી અને ભારત સાથેના સારા સંબંધ નહિ બગાડવા અપીલ કરી હતી.
માલદીવના અન્ય અગ્રણી નેતા મહંમદ નાશીદે પણ પ્રધાનોના ભારત અને મોદી-વિરોધી વલણ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો.
માલદીવના પ્રમુખ મહંમદ મુઇઝુની સરકાર ચીન-તરફી હોવાનું કહેવાય છે.
ફિલ્મ કલાકારો – સલમાન ખાન, શ્રદ્ધા કપૂર, અક્ષય કુમાર, જૉન અબ્રાહમ, ક્રિકેટર સચિન તેન્ડુલકર સહિતની અનેક સેલિબ્રિટીએ માલદીવનો બહિષ્કાર કરવાની અથવા ભારતના લક્ષદ્વીપના સૌંદર્યની પ્રશંસા કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી.
માલદીવ જતાં વિદેશીઓમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે. તે પછી રશિયાના લોકો અને બાદમાં ત્રીજા ક્રમે ચીનના પર્યટકો આવે છે.
માલદીવના ચીન-તરફી વલણથી ભારત સાથેના સંબંધ હાલમાં બગડ્યા છે અને તેમાં પણ સોશિયલ મીડિયા પર ભારતની હાંસી ઉડાડતી પોસ્ટથી પરિસ્થિતિ વણસી છે. માલદીવને ભારતીય પર્યટકો ભારે આવક કરી આપે છે.
(એજન્સી)