સોનિયાના જમાઈએ ‘રિનોવેટ’ કરેલું ઘર જપ્ત કરાશે
નવી દિલ્હી: કૉંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ અને કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ રિનેવોટ કરાવેલા ઘર સહિતની યુનાઈટેડ કિંગડમ (યુકે)માંની બે પ્રોપર્ટી જપ્ત કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ શુક્રવારે અહીંની અદાલતમાં અરજી કરી હતી.
ગયા મહિનામાં ઈડીએ જ્યારે બીજી ચાર્જશીટ રજૂ કરી હતી ત્યારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ બે સંપત્તિ જપ્ત કરવા વિશેષ કોર્ટની પરવાનગી માગી હતી. ૨૨મી ડિસેમ્બરે ચાર્જશીટ ‘રેકર્ડ’ પર લેવામાં આવી હતી અને આગામી સુનાવણી ૨૯મી જાન્યુઆરી ૨૦૨૪ તારીખે થશે.
સંરક્ષણ સોદાના ડીલર સંજય ભંડારી સામેની મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે ઈડીની કાર્યવાહી ચાલી રહી છે. ૬૧ વર્ષીય ભંડારીના પ્રત્યર્પણ માટે ઈડી અને સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન)એ અરજી કરી હતી. ભંડારીની વિદેશમાંની સંપત્તિ નહીં જણાવવામાં આવી હોવાથી આવકવેરા વિભાગ પણ તેની સામે તપાસ કરી રહ્યો છે. ઈડીએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે ભંડારીએ લંડનના ૧૨, બ્રાયન્સ્ટોન સ્કવેર હાઉસ વર્ષ ૨૦૦૯માં લીધું હતું અને રોબર્ટ વાડ્રાના નિર્દેશો અનુસાર ઘર રિનોવેટ કરાયું હતું. જેના નાણાં પણ રોબર્ટ વાડ્રાએ ચૂકવ્યા હતા. આ કેસનો એક આરોપી અને ભંડારીના સગા સુમિત ચઢ્ઢા સંપત્તિનો કબજો ધરાવે છે તેવું ઈડીએ કહ્યું હતું.
યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઈ)માં રહેતા એનઆરઈ અને આ કેસમાં આરોપી સીસી થંપીએ ઈડી સમક્ષ નોંધાવેલા નિવેદનમાં કહ્યું હતું કે રોબર્ટ વાડ્રા ‘આ પ્રોપર્ટી’માં ૩-૪ વખત રહ્યા હતા.
ઈડીએ કહ્યું કે “મિ. રોબર્ટ વાડ્રાએ ૧૨, બ્રાયન્સ્ટોન સ્કવેર હાઉસ લંડનનું સુમિત ચઢ્ઢા મારફત રિનોવેશન કરાવ્યું હતું અને તેમાં રહ્યા પણ હતા. મિ. રોબર્ટ વાડ્રા અને સીસી થંપીએ ફરિદાબાદમાં (દિલ્હી પાસે) જમીનનો મોટો પ્લોટ લીધો હતો અને એકબીજા સાથે ફાયનાન્શિયલ ટ્રાન્સેક્શન્સ પણ કર્યા હતા.