ઘઉંના વધતા ભાવ અટકાવવા સરકારે ટ્રેડરો, હોલસેલરો અને ચેઈન રિટેલરોની સ્ટોક મર્યાદા ઘટાડી
નવી દિલ્હી: સ્થાનિક બજારોમાં સતત વધી રહેલા ઘઉંના ભાવને અંકુશમાં રાખવા અને સંગ્રહખોરીને ડામવા માટે સરકારે તાત્કાલિક ધોરણે અમલી બને તેમ ટ્રેડરો, હોલસેલરો અને મોટા ચેઈન રિટેલરો માટેની સ્ટોક મર્યાદા જે ૩૦૦૦ ટન હતી તે ઘટાડીને ૨૦૦૦ ટન કરી છે.
સ્ટોક મર્યાદા ઘટાડાના નિર્ણયની જાહેરાત કરતાં ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે તાજેતરમાં ઘઉંના ભાવમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં લેતાં અમે સ્ટોક મર્યાદાની સમીક્ષા કરીને ટ્રેડરો, હોલસેલરો અને મોટા ચેઈન રિટેલરો માટેની સ્ટોક મર્યાદા ઘટાડીને બે બજાર ટન કરવાનો નિર્ણય લીધો છે.
ત્રણ મહિના પૂર્વે ગત ૧૨મી જૂને સરકારે આગામી માર્ચ ૨૦૨૪ સુધી ઘઉંના ખેલાડીઓ પર ૩૦૦૦ ટનની સ્ટોક મર્યાદા લાદી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે છેલ્લા એક મહિનામાં એનસીડીઈએક્સ ખાતે ઘઉંના ભાવ ચાર ટકા વધીને ક્વિન્ટલે રૂ. ૨૫૫૦ આસપાસ થયા હોવાથી સ્ટોક મર્યાદા ઘટાડીને બે હજાર ટન કરવામાં આવી છે. જોકે, દેશમાં ઘઉંનો પર્યાપ્ત સ્ટોક હોવા છતાં અમુક તત્તવો કૃત્રિમ અછત ઊભી કરી રહ્યા હોવાનું મારુ માનવું છે, એમ તેમણે ઉમેર્યું હતું.