
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડા અંગે આજે કેન્દ્ર સરકારે સૌથી મોટું નિવેદન આપ્યું હતું. વીતેલા વર્ષ 2023ના અંતિમ સપ્તાહ દરમિયાન કેન્દ્ર સરકાર નવા વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે, જ્યારે આ અહેવાલને લોકસભાની ચૂંટણી સાથે જોડી દેવામાં આવ્યો હતો. હવે આ મુદ્દે કેન્દ્રીય પ્રધાને એ બાબતને અફવા ગણાવી હતી.
કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે ઇંધણના ભાવમાં ઘટાડા કરવા અંગે કોઈ પ્રસ્તાવ આવ્યો નથી અને એ બાબત એકમાત્ર અફવા છે. ગયા અઠવાડિયા દરમિયાન જે સમાચાર મીડિયામાંથી જાણવા મળ્યા હતા એ માત્ર ખોટી વાત છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડા અંગે 28મી ડિસેમ્બરે સમાચાર વહેતા થયા હતા, જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરદીઠ છથી દસ રુપિયાનો ઘટાડો થઈ શકે છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર ઓઈલ કંપની સાથે વાતચીત કરી રહી છે, પરંતુ આ મુદ્દે કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ એ તમામ સમાચારોને ફગાવી નાખ્યા હતા.
કેન્દ્રીય પ્રધાને આજે કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની વાત એકમાત્ર અફવા છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાના સમાચાર બાદ માર્કેટમાં હિલચાલ આવી હતી. સ્ટોકમાર્કેટમાં પણ ઓઈલ કંપનીના શેરમાં લેવાલી વધી હતી.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાના અહેવાલ વચ્ચે સરકાર અને ઓઈલ કંપનીઓની વચ્ચે એક સમજૂતી કરવામાં આવશે, જ્યારે આ સમજૂતી અન્વયે જે ઘટાડો કરવામાં આવશે તેની ચૂકવણી પચાસ-પચાસ ટકાની ફોર્મ્યુલા રહેશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં બેરલદીઠ 78 અમેરિકન ડોલરની આસપાસ ભાવ પહોંચ્યા છે.