દેશમાં કોલસાની ખેંચ વચ્ચે ઉત્પાદન અંગે સરકારે કરી મોટી જાહેરાત

નવી દિલ્હીઃ કોલસાની વધતી જતી ખેંચ વચ્ચે આગામી ચારથી પાંચ વર્ષમાં કોલસાના ઉત્પાદનમાં વધારો થવાની કોલસા મંત્રાલયે અપેક્ષા વ્યક્ત કરી છે. વર્ષ 2027 સુધીમાં 1404 મિલિયન ટન (MT) અને બીજા ત્રણ વર્ષ પછી એટલે વર્ષ 2030 સુધીમાં 1577 મિલિયન ટન (MT)નું ઉત્પાદન કરવાની યોજના બનાવી છે.
હાલમાં દર વર્ષે લગભગ એક અબજ ટન કોલસાનું ઉત્પાદન થઈ રહ્યું છે. ચાલુ વર્ષ માટે સ્થાનિક કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સને પૂરો પાડવામાં આવેલ કોલસો લગભગ 821 મિલિયન ટન છે.
કોલસા મંત્રાલયે વર્ષ 2030 સુધીમાં દેશમાં જરૂરી વધારાની 80 GW થર્મલ પાવર સપ્લાય કરવા માટે વધારાના કોલસાની જરૂરિયાતની નોંધ લીધી છે. આ વધારાના થર્મલ પાવર ઉત્પાદન માટે કોલસાની જરૂરિયાત 85 ટકા પ્લાન્ટ લોડ ફેક્ટર (PLF) પર લગભગ 400 MT હશે. ભવિષ્યમાં, રિન્યુએબલ સ્ત્રોતોના યોગદાનને કારણે કોલસાની વાસ્તવિક જરૂરિયાત જનરેશનની જરૂરિયાતને અનુરૂપ ઘટી શકે છે. કોલસા મંત્રાલયે તેની ઉત્પાદન વૃદ્ધિ યોજનામાં કોલસાના વધારાના જથ્થાનું ઉત્પાદન કરવાની યોજના બનાવી છે અને આ રીતે થર્મલ પાવર પ્લાન્ટ્સ માટે સ્થાનિક કોલસાની પર્યાપ્ત સ્ટોક મળી શક્શે એવું અધિકારીએ જણાવ્યું હતું.
હાલની ખાણોની ક્ષમતા વિસ્તરણ અને બંધ/વાણિજ્યિક ખાણોમાંથી ઉત્પાદન વધારવા જેવા પગલાંનો સમાવેશ થાય છે. હાલમાં, આ ત્રણેય ઘટકો એકબીજામાં યોગદાન આપી રહ્યા છે અને તેમની વધુ વૃદ્ધિ માટે સ્પષ્ટ યોજનાઓ છે. આ સંભવિત વધારાની ઉર્જા ક્ષમતા સાથે વર્ષ 2027 અને વર્ષ 2030 માટે કોલસા ઉત્પાદન યોજનાઓ દેશના થર્મલ પાવર પ્લાન્ટ્સ (કોલસા મંત્રાલય) ની સંભવિત કોલસાની જરૂરિયાત કરતાં વધુ કોલસાનું ઉત્પાદન કરશે. ચાલુ વર્ષમાં કોલસાની ઉપલબ્ધતા વિશે વાત કરતા એક અધિકારીએ કહ્યું હતું કે હાલમાં કોલસાની અનામત (રિઝર્વ) શરૂ થઈ ગઈ છે અને દેશના થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાનો ભંડાર હવે લગભગ 20 એમટી છે અને ખાણોમાં તે 41.59 એમટી છે. કુલ અનામત (ટ્રાન્ઝીટ અને કેપ્ટિવ ખાણો સહિત) ગયા વર્ષે 65.56 મેટ્રિક ટનની સરખામણીએ 73.56 મેટ્રિક ટન છે, જે 12 ટકા (વર્ષ-દર-વર્ષે)ની વૃદ્ધિ દર્શાવે છે, એવું એક અહેવાલમાં જણાવ્યું હતું.