
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ૧ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર માટે સરકારી કામકાજને અંતિમ સ્વરૂપ આપવાનું શરૂ કરી દીધું છે. આ સત્રમાં સરકાર કુલ ૧૦ વિધેયકોને સૂચિબદ્ધ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં સૌથી મહત્ત્વનો છે અણુઊર્જા વિધેયક, ૨૦૨૫, જે ખાનગી કંપનીઓ માટે અસૈન્ય પરમાણુ ક્ષેત્ર ખોલવાની જોગવાઈ ધરાવે છે. આ વિધેયક ભારતમાં અણુઊર્જાના ઉપયોગ અને નિયમનને નિયંત્રિત કરવાના ઉદ્દેશથી લાવવામાં આવી રહ્યો છે. ૧૫ કાર્યદિવસો ધરાવતું આ સત્ર ૧૯ ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. સરકાર પોતાના કામકાજને આગળ ધરીને સત્રની ગંભીરતા અને પૂરતું કામકાજ હોવાનો સ્પષ્ટ સંકેત આપી રહી છે.
સરકારના એજન્ડામાં ઉચ્ચ શિક્ષણ આયોગ વિધેયક પણ સામેલ છે. લોકસભા બુલેટિન મુજબ, આ કાયદો દેશમાં એક ઉચ્ચ શિક્ષણ આયોગની સ્થાપના કરવાનો માર્ગ મોકળો કરે છે, જે યુનિવર્સિટીઓ અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સ્વતંત્ર અને સ્વશાસી સંસ્થાઓ બનવા તેમજ પારદર્શી પ્રણાલી દ્વારા શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે સક્ષમ બનાવશે. આ સિવાય, રાષ્ટ્રીય ધોરીમાર્ગ (સંશોધન) વિધેયક પણ રજૂ કરવા માટે સૂચિબદ્ધ છે, જેનો ઉદ્દેશ રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે જમીન સંપાદન પ્રક્રિયાને ઝડપી અને પારદર્શી બનાવવાનો છે. વેપારમાં સરળતા લાવવા માટે કોર્પોરેટ કાયદા (સંશોધન) વિધેયક, ૨૦૨૫ પણ એજન્ડામાં છે.
સરકારના એજન્ડામાં પ્રતિભૂતિ બજાર સંહિતા વિધેયક (SMC), ૨૦૨૫ પણ સામેલ છે, જે ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ અધિનિયમ, ૧૯૯૨, ડિપોઝિટરી અધિનિયમ, ૧૯૯૬ અને પ્રતિભૂતિ કરાર (નિયમન) અધિનિયમ, ૧૯૫૬ની જોગવાઈઓને એક તર્કસંગત, એકલ પ્રતિભૂતિ બજાર સંહિતામાં એકીકૃત કરવાનો પ્રસ્તાવ મૂકે છે. આ સાથે જ, સરકાર મધ્યસ્થતા અને સમાધાન અધિનિયમમાં પણ સુધારો કરવાની યોજના બનાવી રહી છે.
જોકે, સંસદનું આ શિયાળુ સત્ર રાજકીય ગરમીથી ભરપૂર રહેવાની સંભાવના છે. વિપક્ષ બિહારના ચૂંટણી પરિણામો અને ચૂંટણી પંચના કામકાજ પર ચર્ચાને મુદ્દો બનાવીને સરકાર પર દબાણ લાવશે. જોકે, સરકાર સ્પષ્ટ કરી ચૂકી છે કે ચૂંટણી પંચ એક સ્વતંત્ર બંધારણીય સંસ્થા છે અને તેના કામકાજ પર ગૃહમાં ચર્ચા કરી શકાતી નથી.
આપણ વાંચો: G20 સમિટમાં PM Modiનો ખાસ સંદેશ, ભારતીય મૂલ્યો દુનિયાને વિકાસ તરફ લઈ જશે



