ઉત્તરાખંડમાં દેવી કુંડ પાસે બનેલું ‘ગ્લેશિયર બાબા’નું મંદિર તોડી પાડવામાં આવ્યું

દેહરાદુન: ઉત્તરાખંડ પ્રસાશને પવિત્ર દેવી કુંડ તળાવ (Devikund lake) પાસે સુંદરધુંગા ગ્લેશિયર પર બાંધવામાં આવેલા ગેરકાયદેસર મંદિરને તોડી પાડ્યું હતું. બાબા યોગી ચૈતન્ય આકાશ (Baba Yogi Chaitanya Akash) દ્વારા 16,500 ફીટ પર અનધિકૃત રીતે મંદિર બનાવવામાં આવ્યું હતું. પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને વન કર્મચારીઓની સંયુક્ત ટીમ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું કે માળખાને મંદિર તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે, જો કે એ ચૈતન્ય આકાશ દ્વારા બાંધવામાં આવેલી એક રૂમની સાદી બિલ્ડીંગ હતી, બાબાએ દાવો કર્યો હતો કે તેને સ્વપ્નમાં દૈવી મંદિર બનાવવા માટે આદેશ આપ્યા હતાં. બાબાનો ભૂતકાળ શંકાસ્પદ છે. અહીં આવતા પહેલા તેને દ્વારહાટ સહિત અનેક જગ્યાએથી હાંકી કાઢવામાં આવ્યો હતો. જ્યારે માળખાને તોડી પાડવામાં આવ્યું ત્યારે, તેની અંદર કોઈ જોવા મળ્યું ન હતું.
સુંદરધુંગા ગ્લેશિયર નંદા દેવી બાયોસ્ફિયર રિઝર્વ હેઠળ આવે છે જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જ્યાં કોઈપણ અનધિકૃત બાંધકામ કરવા પર સખત પ્રતિબંધ છે.
સ્થાનિકોએ બાબાની કાર્યવાહી સામે આક્રોશ વ્યક્ત કર્યો. અહેવાલ મુજબ બાબા દેવી કુંડનો સ્વિમિંગ પૂલ તરીકે ઉપયોગ કરતો, તેમાં વારંવાર સ્નાન કરતો. તળાવ નોંધપાત્ર સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે, દર 12 વર્ષે યોજાતી નંદ રાજા યાત્રા દરમિયાન દેવતાઓની મૂર્તિઓને આ કુંડના પાણીમાં સ્નાન કરાવવા માટે લાવવામાં આવે છે.
સ્થાનિક રહેવાસીઓએ જુલાઈમાં જિલ્લા વહીવટીતંત્રને બાબાની પ્રવૃત્તિઓની જાણ કર્યા પછી બાબા સામે સવાલો ઉઠ્યા હતાં. આ પ્રદેશ પર્યાવરણીય રીતે સંવેદનશીલ હોવા છતાં ‘બાબા’એ દાવો કર્યો હતો કે તેમને ત્યાં એક મંદિર બનાવવા માટે દૈવી સૂચનાઓ મળી છે.
પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે સ્ટ્રક્ચરને તોડી પાડવામાં વિલંબ થયો હતો, કેમ કે સાઇટ સુધી પહોંચવું મુશ્કેલ હતું.
Also Read –