Tirupati Laddu Issueમાં ઘી સપ્લાય કરતી કંપનીએ કર્યો આ મોટો ખુલાસો
અમરાવતી: તિરુપતિ મંદિરમાં લાડુ (Tirupati Laddu)માટે ઉપયોગમાં લેવામાં આવતા ઘીનો વિવાદ વધી રહ્યો છે. જેમાં હાલમાં એનડીએ ધારાસભ્ય દળની બેઠક દરમિયાન, આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ આરોપ મૂક્યો હતો કે અગાઉની YSRCP સરકારે શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરને પણ છોડ્યું ન હતું અને તિરુપતિમાં પ્રસાદના લાડુ બનાવવા માટે હલકી ગુણવત્તાવાળા ઘટકો અને પ્રાણીની ચરબીનો ઉપયોગ કર્યો હતો. આ બધાની વચ્ચે ઘી સપ્લાય કરતી કંપનીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કંપનીએ કહ્યું છે કે અમારા સેમ્પલનું સૌ પ્રથમ નેશનલ લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
નંદિની બ્રાન્ડના ઘીનો ઉપયોગ કરવામાં આવશે
ટીડીપીના વડાએ આક્ષેપ કર્યો હતો કે અગાઉની સરકાર દરમિયાન મંદિરના પ્રસાદ માટે લાડુ બનાવવા માટે જે કંપનીમાંથી ઘી સપ્લાય કરવામાં આવતું હતું. તે ઘીમાં પ્રાણીની ચરબી ભેળવવામાં આવતી હતી. આ મામલે વિવાદ થયા બાદ સરકારે ઘીના સપ્લાય માટે નવી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. હવે તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવા માટે કર્ણાટકના નંદિની બ્રાન્ડના ઘીનો ઉપયોગ કરવામાં આવશે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ શ્રી વેંકટેશ્વર મંદિરમાં કથિત રૂપે ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરવા બદલ તમિલનાડુ સ્થિત એઆર ડેરી ફૂડ પ્રાઈવેટ લિમિટેડ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કર્યાના એક દિવસ બાદ કંપનીએ અહેવાલ પર સવાલો ઉઠાવ્યા છે જેના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Tirupati Laddu Row: તિરુપતિ લાડુ વિવાદથી દુ:ખી ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ, 11 દિવસના ઉપવાસ કરશે
એઆર ડેરી ફૂડે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા
શુક્રવારે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ડિંડીગુલ સ્થિત એઆર ડેરી ફૂડ્સના ગુણવત્તા નિયંત્રણ અધિકારીએ કન્નને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. કન્નને કહ્યું, “અમે 1998 થી કામ કરી રહ્યા છીએ અને આ પ્રથમ વખત છે કે અમારી સામે આવા આક્ષેપો કરવામાં આવ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, એઆર ડેરી તેના પોતાના કેન્દ્રો ચલાવે છે અને 32 સેકન્ડમાં દૂધના 102 ગુણવત્તાના પરિમાણોને ચકાસવા માટે અદ્યતન તકનીકનો ઉપયોગ કરે છે. જો દૂધ કોઈપણ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ જાય તો તે તરત જ નકારી કાઢવામાં આવે છે..
કંપનીએ એવો પણ દાવો કર્યો હતો કે એઆર ડેરીને TTD ને ઘી સપ્લાય કરવાની મંજૂરી આપવામાં આવ્યા પછી, મંદિર વહીવટીતંત્રની ચાર સભ્યોની નિષ્ણાત ટીમે તેમની ક્ષમતા અને ગુણવત્તા નિયંત્રણના પગલાંનું મૂલ્યાંકન કરવા તેમના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. કન્નને કહ્યું, “ટીટીડીને મોકલતા પહેલા અમારા ઘીનાં નમૂના રાષ્ટ્રીય પ્રયોગશાળાઓમાં પરીક્ષણ કરવામાં આવે છે. ટીટીડીના ફૂડ સેફ્ટી ઓફિસર ફરીથી સેમ્પલ તપાસે છે.
આ પણ વાંચો: તિરુપતિ બાલાજીની આંખો કેમ બંધ રહે છે? રહસ્ય જાણીને તમારા હોશ ઉડી જશે
એઆર ડેરી ISO પ્રમાણપત્ર ધરાવે છે
ગુણવત્તા નિયંત્રણ અધિકારીના જણાવ્યા અનુસાર, એઆર ડેરી ISO પ્રમાણપત્ર ધરાવે છે અને ગુણવત્તાના કડક પ્રોટોકોલનું પાલન કરે છે. અગાઉના કોઈપણ અહેવાલોમાં ગુણવત્તામાં કોઈ અનિયમિતતાનો ઉલ્લેખ નથી. તેમણે જવાબદારી સુનિશ્ચિત કરવા માટે વિડિયો રેકોર્ડિંગ જેવી સેમ્પલ કલેક્શન માટે વધુ પારદર્શક પ્રક્રિયાની અપીલ કરી છે.