નેશનલ

ચૂંટણી પહેલા રાજસ્થાનની ભૂગોળ બદલાઇ

3 નવા જિલ્લા સાથે હવે 53 જિલ્લા ધરાવતું રાજ્ય બન્યું

રાજસ્થાન હવે 53 જિલ્લા ધરાવતું રાજ્ય બનશે, જનતાની માગ અને ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણ અનુસાર રાજસ્થાનમાં 3 નવા જિલ્લા બનાવવામાં આવશે તેવી જાહેરાત મુખ્યપ્રધાન અશોક ગહેલોતે કરી છે.

આગામી વિધાનસભા ચૂંટણી પહેલા આ એક મોટી જાહેરાત છે. ટોંક જિલ્લામા આવેલું માલપુરા, ચુરુ જિલ્લાના સુજાનગઢને તથા ડીડવાના જિલ્લામાં આવેલા કુચામનને જિલ્લા તરીકેનો દરજ્જો અપાઇ રહ્યો છે. સીએમ અશોક ગહેલોતે X પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી.


“જનતાની માંગ અને ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણ મુજબ રાજસ્થાનમાં વધુ ત્રણ નવા જિલ્લા બનાવવામાં આવશે. પ્રથમ માલપુરા, બીજું સુજાનગઢ અને ત્રીજું કુચામન શહેર. હવે રાજસ્થાનમાં 53 જિલ્લા હશે. ભવિષ્યમાં પણ ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણો મુજબ સીમાંકન વગેરે જેવી સમસ્યાઓનું નિરાકરણ થતું રહેશે.” તેમ સીએમ અશોક ગહેલોતે તેમની પોસ્ટમાં લખ્યું હતું. તમને જણાવી દઈએ કે માલપુરામાં જિલ્લો બનાવવા માટે છેલ્લા 6 મહિનાથી આંદોલન ચાલી રહ્યું હતું. અલગ જિલ્લાની માગ સાથે ત્યાંના સ્થાનિકો હડતાળ પર બેઠા હતા. સીએમની જાહેરાત બાદ હવે માલપુરાના લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.


આ પહેલા ઓગસ્ટ મહિનામાં રાજસ્થાન સરકારે 19 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી હતી. આ નવા જિલ્લાઓમાં અનુપગઢ, ગંગાપુર સિટી, કોટપુતલી, બલોત્રા, જયપુર સિટી, ખૈરથલ, બ્યાવર, જયપુર ગ્રામીણ, નીમકથાણા, દેંગ, જોધપુર સિટી, ફલોદી, ડીડવાના, જોધપુર ગ્રામીણ, સલુમ્બર, દુડુ, કેકરી, સાંચોર અને શાહપુરાનો સમાવેશ થાય છે. આ સિવાય રાજસ્થાનમાં ત્રણ નવા વિભાગ બનાવવામાં આવ્યા છે, જેમાં બાંસવાડા, પાલી અને સીકરનો સમાવેશ થાય છે. સરકારે નવા જિલ્લાઓમાં IAS અને IPS અધિકારીઓને OSD (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી) તરીકે નિયુક્ત કર્યા હતા. નવા જિલ્લાઓનું જાહેરનામું બહાર પડતાં જ હવે અહીં કલેક્ટર, એસપી અને જિલ્લા સ્તરની ઓફિસો ખુલશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button