વન નેશન વન ઇલેક્શન માટે કમિટીની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બરે યોજાશે…
નવી દિલ્હી: ‘એક દેશ એક ચૂંટણી’ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ માટે કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે, આ સમિતિની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બરે યોજાશે જેમાં દેશમાં એક સાથે ચૂંટણી યોજવા માટેનું માળખું નક્કી કરશે. અધ્યક્ષ ઉપરાંત, સમિતિના અન્ય 7 સભ્યોમાં અમિત શાહ, અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એનકે સિંહ, સુભાષ કશ્યપ, હરીશ સાલ્વે અને સંજય કોઠારીનો સમાવેશ થશે.
આ અગાઉ 3 સપ્ટેમ્બરે ટોચના અધિકારીઓએ કમિટીના ચેરમેનને પ્રાથમિક માહિતી આપી હતી. કેન્દ્રીય કાયદા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ પૂર્વ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના વિશેષ સત્ર દરમિયાન ‘એક દેશ એક ચૂંટણી’ બિલ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. ત્યારે ‘વન નેશન, વન ઇલેક્શન’ પર બનેલી કમિટી જલ્દી જ પોતાનો રિપોર્ટ કેન્દ્રને સુપરત કરી શકે છે. આ રિપોર્ટ મુજબ લોકસભાથી લઈને પંચાયત સ્તર સુધી દેશના ત્રણેય સ્તરોમાં ચૂંટણીઓ કરાવવા માટે કુલ 10 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. ત્યારે જો તમામ ચૂંટણીઓ એક સાથે અથવા એક અઠવાડિયામાં યોજવામાં આવે છે, તો તેના ખર્ચમાં 3 થી 5 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.
જાહેર નીતિઓના સંશોધન-આધારિત વિશ્લેષક એન ભાસ્કર રાવના જણાવ્યા અનુસાર 2024ની લોકસભાની ચૂંટણીઓ પર 1.20 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. ચૂંટણી પંચ 2024ની ચૂંટણીમાં ખર્ચવામાં આવેલા કુલ નાણાંના 20 ટકા ખર્ચ કરી શકે છે. જો તમામ વિધાનસભા ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે તો તેના પર 3 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. દેશમાં કુલ 4500 વિધાનસભા સીટો છે.