પાંચમું પાસ બન્યો પોલીસ ઈન્સ્પેક્ટર, પછી જાણો કેવા કર્યા કારસ્તાન?
આગ્રા: બાળપણમાં પોલીસનો યુનિફોર્મ પહેરવાનો શોખ હોય છે, પણ પોલીસ બનવા માટે સખત મહેનત કરવી પડે છે એ વાતથી સૌકોઈ અજાણ નથી, પરંતુ તાજેતરમાં એક એવો ગઠિયો પકડાયો હતો, જે ફક્ત પાંચમું પાસ થયા પછી કોરોના મહામારી પછી પોલીસ બનીને લોકોને છેતરતો હતો. ઉત્તર પ્રદેશના આગ્રામાં એક શખસ માત્ર ચાર હજાર રૂપિયામાં પોલીસ ઈન્સ્પેકટર બન્યો હોવાની ઘટનાનો ખુલાસો થયો છે. આ મામલો આગ્રાનો છે, જ્યાં પોલીસ દ્વારા એક બનાવટી પોલીસ ઈન્સ્પેકટરને પકડી પાડવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે એક વ્યક્તિ પોલીસની યુનિફોર્મ પહેરીને લોકો સાથે ગુંડાગીરી કરી તેમને ધમકાવતો હતો તેમ જ તેણે અનેક વખત વાહનોનું ચેકિંગ પણ કર્યું હતું. આ ગઠિયો છેલ્લા ચાર વર્ષથી ઈન્સ્પેકટર બની છેતરતો હતો, પણ હવે તેની પોલ ખૂલી ગઈ છે.
પોલીસ દ્વારા તેની અટક કર્યા બાદ તે ડરના માર્યો ધ્રૂજી રહ્યો હતો. બનાવટી પોલીસ બનીને ફરતો વ્યક્તિ માત્ર પાંચ ધોરણ સુધી ભણ્યો છે. કોરોના મહામારી વખતે તેણે ચાર હજાર રૂપિયામાં પોલીસનો યુનિફોર્મ સિવડાવ્યો હતો અને ત્યાર બાદ તે બનાવટી પોલીસ ઈન્સ્પેક્ટર બનીને લોકોને ઠગી રહ્યો હતો.
તેણે ખોટી રીતે વાહનોની તપાસ કરવા તેમને રોક્યા હતા ત્યારે એક વ્યક્તિએ પોલીસને આ બાબતે જાણ કરી હતી. તે પછી પોલીસની એક ટીમે તેને રંગે હાથ ઝડપાયો હતો. અટક કરવામાં આવેલા આરોપીનું નામ દેવેન્દ્ર ઉર્ફ રાજૂ હોવાની જાણ થઈ હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
તે આગ્રાના એક વિસ્તારમાં વાહનોની તપાસ કરી રહ્યો હતો અને વાહનચાલકો પાસેથી દંડની રકમ વસૂલી પોતાની પાસે રાખતો હતો. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તેનાથી પૂછપરછ કરવામાં આવતા સામે આવ્યું કે તે બનાવટી ઇન્સ્પેક્ટર છે. ત્યાર બાદ તેને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
પૂછપરછ દરમિયાન તેણે તમા વાતનો ખુલાસો કર્યો હતો. અટક કરવામાં આવ્યા બાદ તેની પાસેથી 2,000 રૂપિયા પણ મળ્યા હતા. બનાવટી પોલીસ બનીને લોકો સાથે છેતરપિંડી કરવાના આરોપસર તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે તેમ જ તેની સામે પહેલાથી જ ચાર ફરિયાદ નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસનો યુનિફોર્મ પહેરીને તે દુકાનો પર સમાનની ખરીદી કરી ડિસ્કાઉન્ટ લેતો હતો. તેની હિમ્મત આટલી બધી વધી ગઈ હતી કે તે વાહનો પાસેથી ગેરકાયદે દંડની પણ વસૂલી કરતો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.