આ વખતની ચૂંટણી ગરીબ ચા વિક્રેતાના દીકરા અને ચાંદીની ચમચી સાથે જન્મેલા રાહુલ વચ્ચે છે: અમિત શાહ
દમણ: કેન્દ્રીય પ્રધાન અમિત શાહે શનિવારે કહ્યું હતું કે આ વખતની લોકસભાની ચૂંટણીઓ ગરીબ ચા વિક્રેતાના ઘરમાં જન્મેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચાંદીની ચમચી સાથે જન્મેલા રાહુલ ગાંધી વચ્ચેની લડાઈ છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ચૂંટણી રેલીને સંબોધતાં શાહે એવો આક્ષેપ કર્યો હતો કે ઈન્ડી ગઠબંધને દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોની અનામત છીનવીને મુસ્લિમોને આપી છે, જ્યારે ભાજપે એસસી, એસટી અને ઓબીસીની અનામતને જાળવી રાખી છે તેમ જ મજબૂત કરી છે.
તેમણે ભાજપના દમણ અને દીવના ઉમેદવાર તેમ જ દાદરા અને નગરહવેલીની લોકસભા બેઠકના ઉમેદવારનો પ્રચાર કર્યો હતો.
આ ચૂંટણીમાં તમારી પાસે બે વિકલ્પ છે, એક તરફ તમારી પાસે રાહુલ ગાંધી છે જે ચાંદીના ચમચા સાથે જન્મ્યો છે, બીજી તરફ મોદીજી છે જેઓ એક ગરીબ ચાવાળાના પરિવારમાંથી આવે છે.
તેમણે કહ્યું હતું કે મોદીએ 23 વર્ષની મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન તરીકેની કારકીર્દિમાં ક્યારેય એક દિવસની રજા લીધી નથી. બીજી તરફ દેશમાં જરા ગરમી વધવા લાગે એટલે રાહુલ બાબા થાઈલેન્ડના બેંગકોકમાં રજા ગાળવા જતા રહે છે. એક તરફ ઈન્ડી ગઠબંધનની પાર્ટીઓ છે, જેમના પર રૂ. 12 લાખ કરોડના કૌભાંડો અને ભ્રષ્ટાચારનો આક્ષેપ છે, જ્યારે બીજી તરફ 23 વર્ષના સ્વચ્છ કારભારનો રેકોર્ડ ધરાવતા મોદીજી છે.
શાહે કહ્યું હતું કે વડા પ્રધાનને ત્રીજી વખત વડા પ્રધાન બનાવવાનો અર્થ થાય છે કે દેશમાંથી નક્સલવાદ અને આતંકવાદ સંપૂર્ણ રીતે ખતમ કરી નાખવો અને દેશને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવું. જો ભૂલેચૂકે ઈન્ડી ગઠબંધન ફરી સત્તામાં આવશે તો શું તેઓ કોરોનાના રોગચાળાની સ્થિતિ ભાજપની જેમ સંભાળી શકશે? શું તેઓ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી શકશે? શું તેઓ આતંકવાદને ખતમ કરી શકશે? તેઓ ફક્ત 12 લાખ કરોડના કૌભાંડો અને ભ્રષ્ટાચારો કરી શકશે. (પીટીઆઈ)