ચૂંટણી કમિશનરનો સુપ્રીમ કોર્ટના જજ જેવો દરજ્જો ચાલુ રખાશે
નવી દિલ્હી: સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોનો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની બરાબરી કરતો દરજ્જો ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.
વિપક્ષના નેતાઓ અને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરોના વિરોધને પગલે કેન્દ્ર સરકારે સંબંધિત નિર્ણય લીધો હતો.
મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોનો હાલનો દરજ્જો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો જેવો જ છે.
રાજ્યસભામાં ચાલુ વર્ષે ઑગસ્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક અને સેવાની સ્થિતિ તેમ જ મુદતને લગતા ૨૦૨૩ના ખરડાને રજૂ કરાયો હતો, જેમાં તેઓને કેબિનેટ સચિવને સમાન દરજ્જો આપવાની જોગવાઇ હતી. વિપક્ષોએ તેનો વિરોધ કરતા આક્ષેપ કર્યો હતો કે આ ખરડો ચૂંટણી પંચની સ્વતંત્રતાની વિરુદ્ધ છે.
કેન્દ્ર સરકારે રાજ્યસભામાં પસાર થયા વિના પડેલા આ ખરડામાં સુધારો કરવાનો નિર્ણય કર્યો હતો.
કાયદા પ્રધાન રામ મેઘવાળ દ્વારા રજૂ કરાયેલા એક સુધારામાં જણાવાયું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરને હવે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જેટલો પગાર ચૂકવાશે.
આ ઉપરાંત, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો ફરજ બજાવતા હશે ત્યાં સુધી તેઓ સામે અદાલતના કેસ ચલાવી નહિ શકાય. (એજન્સી)