ડ્રાઈવરોની હડતાળ તો સમેટાઈ, પણ આ શહેરોમાં લોકોને હાડમારી યથાવત
મુંબઈ: સરકાર દ્વારા પસાર કરાયેલ નવા કાયદામાં ‘હિટ એન્ડ રન’ રોડ અકસ્માતના કેસમાં 7 લાખ રૂપિયાના દંડ અને 10 વર્ષની જેલની જોગવાઈ છે. જેને લઈને ટ્રક ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાં ટ્રક ચાલકોએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં ઈંધણની અછતનો ભય સર્જાયો હતો. ટ્રક ડ્રાઈવરો દ્વારા સૌથી વધુ હિંસક વિરોધ મહારાષ્ટ્રમાં જોવા મળ્યો હતો. તેમજ આજે પણ તેની અસર મહારાષ્ટ્રમાં જોવા મળી હતી.
ગઈકાલે મહારાષ્ટ્રમાં હડતાળને કારણે, પેટ્રોલ ડીઝલ, દૂધ, પાણી અને શાકભાજીની સપ્લાય જેવી ઘણી મૂળભૂત સુવિધાઓને અસર થઈ છે. હડતાળ સમાપ્ત થયા બાદ મુંબઈમાં સ્થિતિ સામાન્ય થવામાં હજુ થોડો સમય લાગશે. ગઈકાલે આખો દિવસ હડતાળના કારણે મુંબઈના કોઈપણ પેટ્રોલ પંપ પર આજે ઈંધણનો પુરવઠો નહોતો.
ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે કહ્યું હતું છે કે આ કાયદાના કારણે ટ્રક ડ્રાઈવરોને અયોગ્ય હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે. તેથી આ કાયદાને પાછો ખેંચવો જોઈએ. મહારાષ્ટ્રના પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના સેક્રેટરી અકીલ અબ્બાસનું કહેવું છે કે છત્રપતિ સંભાજીનગરના કેટલાક પેટ્રોલ પંપ પર કામ પહેલાથી જ બંધ થઈ ગયું છે. તેમજ ત્રણ દિવસ સુધી ચાલેલી હડતાળને કારણે ફળો અને શાકભાજીનો ઈંધણનો પુરવઠો ખોરવાઈ શકે છે. એક દિવસના વિરોધમાં MMRને 150 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
તેમજ સોલાપુર, કોલ્હાપુર, નાગપુર અને ગોંદિયા જિલ્લામાં પણ ‘રાસ્તા રોકો’ પ્રદર્શન કરવામાં આવ્યા છે. એમએમઆરની બહાર દેશના બાકીના ભાગોમાં પ્રથમ દિવસની હડતાળની આંશિક અસર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, હિમાચલ, રાજસ્થાન અને બિહારમાં જોવા મળી હતી. મધ્ય પ્રદેશમાં ઈન્દોર, ગુજરાતમાં સુરત અને હરિયાણાના અંબાલા એવા અન્ય શહેરોમાં ડ્રાઈવરોએ વિરોધ કર્યો હતો.
આજે પણ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઘણા પેટ્રોલ પંપ પર લોકોને ઈંધણનો પુરવઠો પૂરો થઈ ગયો હતો. જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.