અલીપુર ફેક્ટરીમાં લાગેલી આગમાં મૃત્યુઆંક ૧૧નો થયો
દિલ્હી: ગઈ કાલે દિલ્હીના અલીપુરમાં પેઇન્ટ અને કેમિકલના વેરહાઉસમાં ભયંકર આગ ફાટી નીકળી હતી, આ આગમાં ૧૧ લોકોના મોત થયા છે અને ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોને રાજા હરિશ્ચંદ્ર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી.
અહેવાલો મુજબ અત્યાર સુધીમાં ૧૧ લોકોના મોત થયા છે. મૃતકોના મૃતદેહ સંપૂર્ણપણે બળી ગયા જેના કારણે તેમની ઓળખ થઇ શકી નથી. ફેક્ટરી ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં આવેલી છે, ઘટના સમયે ફેક્ટરીની અંદર રાબેતા મુજબ કામ ચાલી રહ્યું હતું અને કર્મચારીઓ કામમાં વ્યસ્ત હતા. ગુરુવારે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી ત્યાર બાદ આગ ઝડપથી ફેલાઈ ગઈ કે કર્મચારીઓને બચવાની તક ના મળી.
દિલ્હી ફાયર વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર આગની ઘટના સાંજે ૫.૨૫ વાગ્યે બની હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની ૨૨ ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. રાત્રે નવ કલાકે ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આ મામલે તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે. હાલ તપાસ ચાલુ છે. ૧૧ લોકોના મોત બાદ પણ હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીના જણાવ્યા અનુસાર, વધુ બે લોકો ફસાયા હોવાની આશંકા છે.