દશેરાના દિવસે અહી રાવણના મૃત્યુનો માતમ મનાવવામાં આવે છે….
આ વર્ષે 24 ઓક્ટોબર 2023ના રોજ આપણે દશેરાનો તહેવાર ઉજવીશું. દશેરાને આપણે લંકા પર પ્રભુ રામે મેળવેલા વિજયના માનમાં ઉજવીએ છીએ અને એટલે જ તે દિવસે આપણે ખાસ રાવણના પૂતળાનું દહન કરીએ છીએ. ત્રેતાયુગમાં અશ્વિન મહિનાની શુક્લપક્ષની દસમી તારીખે રાવણનો વધ કરીને ભગવાન રામે માતા સીતાને રાવણની લંકામાંથી મુક્ત કરાવ્યા હતા. પરંતુ ભારતમાં ઘણી જગ્યાઓએ રાવણના વધનો શોક મનાવવામાં આવે છે. તો ચાલો આજે તમને એ તમામ જગ્યાઓથી થોડા માહિતગાર કરાવું.
કહેવાય છે કે લંકાપતિ રાવણના લગ્ન રાજસ્થાનના જોધપુર જિલ્લાના મંડોરમાં મંદોદરી સાથે થયા હતા. આ લગ્નમાં રાવણની જાન લઇને શ્રીમાળી સમુદાયના ગોડા ગોત્રના લોકો પણ આવ્યા હતા. આ સમુદાય પોતાને રાવણના વંશજ માને છે અને રાવણ અને મંદોદરી બંનેની પૂજા કરે છે. દશેરાના દિવસે, આ લોકો રાવણનું દહન કરવાને બદલે તેના મૃત્યુનો શોક પાળે છે.
કર્ણાટકના મંડ્યા અને કોલારમાં રાવણનું દહન નહી પરંતુ પૂજા કરવામાં આવે છે કારણકે અહીં રહેતા લોકો માને છે કે રાવણ ભગવાન શિવના મહાન ભક્ત હતો, તેથી તેનું દહન ન કરવું જોઈએ પરંતુ તેની પૂજા કરવી જોઈએ.
હિંદુ માન્યતા અનુસાર ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર પાસે બિસરખ નામનું ગામને રાવણનું જન્મસ્થળ માનવામાં આવે છે. અહીના સ્થાનિક લોકો દશેરાના તહેવારમાં રાવણનું દહન નથી કરતા પરંતુ તેને મહાજ્ઞાની માને છે અને રોજ તેની પૂજા કરે છે.
દેશના કેટલાક ભાગોની જેમ જ મધ્યપ્રદેશના મંદસૌરમાં પણ રાવણના દહનને બદલે પૂજા કરવામાં આવે છે કારણ કે અહીં રહેતા લોકો મંદસૌરને રાવણની સાસરી માને છે. જમાઇનું દહન ના કરવું જોઇએ તેવી માન્યતા ધરાવતા સ્થાનિક લોકો મંદસૌરમાં મંદોદરીનું પૈતૃક ઘર હોવાનું પણ માને છે. આથી જ તેઓ ક્યારેય રાવણ દહન નથી કરતા.
ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં તો રાવણનું 150 વર્ષ જૂનું મંદિર છે, જે માત્ર દશેરાના દિવસે જ તેની પૂજા માટે ખોલવામાં આવે છે. વિજયા દશમીના દિવસે સ્થાનિક લોકો રાવણને શણગારે છે અને પૂજા કરે છે અને રાવણ દહનનો સમય થાય તે પહેલા આ મંદિર બંધ કરી દેવામાં આવે છે. વર્ષમાં એકવાર ખુલતા મંદિરમાં રાવણની પૂજામાં તરોળના ફૂલ ચઢાવવાની પરંપરા છે.