જોધપુરઃ જાતિય શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સેલ્ફસ્ટાઇલ ગોડમેન આસારામની પેરોલની વિનંતી કરતી અરજી બીજી વખત ફગાવી દેવામાં આવ્યા બાદ આસારામે હવે રાહત માટે રાજસ્થાન હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.
સેલ્ફસ્ટાઇલ ગોડમેન આસારામને 25 એપ્રિલ 2018ના રોજ તેના આશ્રમમાં એક કિશોરી સાથે યૌન શોષણના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો, ત્યારબાદ તે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. આસારામની અરજી સ્વીકારતા કોર્ટે શુક્રવારે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને બે અઠવાડિયામાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે.
આસારામના વકીલ કાલુ રામ ભાટીએ જણાવ્યું હતું કે જિલ્લા પેરોલ સમિતિએ તેમની અરજી બીજી વખત ફગાવી દીધી હતી કારણ કે તેમને પેરોલ પર મુક્ત કરવાથી કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ શકે છે. ભાટીએ કહ્યું હતું કે, “આસારામે 20 દિવસના પેરોલની વિનંતી કરતી અરજી દાખલ કરી હતી, પરંતુ સમિતિએ નકારાત્મક પોલીસ રિપોર્ટને ટાંકીને તેને ફગાવી દીધી હતી.”
અગાઉ પણ આસારામની પેરોલ અરજીને સમિતિ દ્વારા ફગાવી દેવામાં આવી હતી કારણ કે તે ‘રાજસ્થાન પ્રિઝનર્સ રીલીઝ ઓન પેરોલ રૂલ્સ, 2021 (નિયમો 2021) ની જોગવાઈઓ હેઠળ પેરોલ માટે હકદાર નથી. ત્યારે આસારામના વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ નિયમ આસારામને લાગુ પડતો નથી, કારણ કે તેના અમલ પહેલા તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને સજા થઈ હતી. ત્યારબાદ હાઈકોર્ટે આસારામની અરજીનો નિકાલ કરતા સમિતિને 1958ના જૂના નિયમો અંતર્ગત તેની પેરોલ અરજી પર પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
Taboola Feed