કૉંગ્રેસ નેતા સવારે ભાજપમાં ગયા, સાંજે ઘરવાપસી કરી….
ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક વીઆઈપી બેઠક ગણાય છે. અગાઉ પરંપરાગત રીતે કૉંગ્રેસનો ગઢ મનાતી આ સીટ પરથી રાહુલ ગાંધી ઉમેદવારી કરી ચૂક્યા છે. હાલની લોકસભાની ચૂંટણીમાં આ સીટ પર ચેક-મેટનો ખેલ ચાલી રહ્યો છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના રાજ્ય સંયોજક વિકાસ અગ્રહરી ગુરુવારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને જિલ્લા ભાજપ પ્રમુખ રામ પ્રસાદ મિશ્રાની સામે ભાજપમાં જોડાયા હતા, પણ પછી શું થયું કે તેમણે બપોરે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો અને ઘર વાપસી કરી હતી.
કોંગ્રેસ નેતા વિકાસ અગ્રહરીએ બાદમાં એમ જણાવ્યું હતું કે તેઓ પોતાના અંગત કામ માટે સાંસદ સ્મૃતિ ઈરાનીના નિવાસસ્થાને ગયા હતા. ત્યાં ઉપસ્થિત ભાજપના નેતાઓ અને સ્મૃતિ ઈરાનીએ તેમને બળજબરીથી ભગવો ખેસ પહેરાવીને ભાજપમાં જોડાવ્યા હતા. કોંગ્રેસ નેતા વિકાસનું કહેવું છે કે તેઓ અગાઉ પણ કોંગ્રેસમાં હતા અને ભવિષ્યમાં પણ કોંગ્રેસમાં જ રહેશે.
અમેઠી ભાજપના જિલ્લા અધ્યક્ષ રામ પ્રસાદ મિશ્રાએ દાવો કર્યો છે કે વિકાસ અગ્રહરી ભાજપમાં જોડાઈ ગયા છે. તેને બોલાવવા કોઈ ગયું ન હતું. હવે તે અમુક દબાણમાં અયોગ્ય વાતો કહી રહ્યો છે. હાલ રાજ્યમાં આચારસંહિતા લાગુ છે. વિકાસ યોજનાઓને લગતા કામો બંધ છે તો કોંગ્રેસના નેતા અહીં શું કામ આવ્યા?
તાજેતરમાં કોંગ્રેસના પ્રદેશ મહાસચિવ રહેલા રાજેશ્વર પ્રતાપ સિંહ ઉર્ફે નાનકે સિંહ સ્મૃતિ સામે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ આ મહિને વિકાસને કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલના સંયોજક બનાવવામાં આવ્યા હતા.
દરમિયાન કોંગ્રેસે અમેઠીના બીજેપી સાંસદ સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે સ્મૃતિ ઈરાનીને તેમના મતવિસ્તારમાં કરેલા કોઈપણ પાંચ કામોની યાદી બનાવવાનો પડકાર ફેંક્યો છે. અને દાવો કર્યોછે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો એક નાનો કાર્યકર પણ ઈરાનીને હરાવી શકે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અભય દુબેએ કહ્યું હતું કે, એવું લાગે છે કે સ્મૃતિજી નર્વસ છે. જો તેમણે ત્યાં કામ કર્યું હોત, તો તેઓ ડર્યા ના હોત. કોંગ્રેસે અમેઠીમાં વિકાસની ગાથા લખી છે.