રામ મંદિરનું આમંત્રણ ના સ્વીકારવા પર ભડક્યા આસામના સીએમએ કાંગ્રેસને લીધી આડેહાથે….
અયોધ્યા: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રભુ રામનો અભિષેક સમારોહ છે જેના માટે સમગ્ર ભારતમાં ઉત્સાહની લહેર જોવા મળી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા મંદિરનું ઉદ્ધઘાટન કરવાના છે ત્યારે આ સમારોહમાં ભાગ લેવા માટે કાંગ્રેસના કેટલાક નેતાઓને પણ આમંત્રણ આપ્યા હતા પરંતુ તેમણે આમંત્રણને નકારી કાઢ્યા હતા. ત્યારબાદ સત્તાધારી ભાજપ દ્વારા કોંગ્રેસ પર તીખી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ત્યારે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે મારા મતે કોંગ્રેસને કાર્યક્રમ માટે આમંત્રણ જ નહોતું આપવું જોઈતું. કાંગ્રેસ પક્ષે આટલી કૂટનિતીઓ કર્યા બાદ તેમને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી તેમના પાપોને સુધારવાની સોનેરી તક મળી હતી, પરંતુ તેઓ તે પણ ચૂકી ગયા. જો મંદિરમાં આવતા તો તેમના પાપ પણ ધોવાઈ જતા પરંતુ હવે તો તેમના માટે દયાની લાગણી અનુભવું છું.
હિમંતા બિસ્વા સરમાએ એક્સ પર લખ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદે જ્યારે કોંગ્રેસ પાર્ટીને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું ત્યારે તે આમંત્રણ સ્વીકારીને તેમને કરેલી ભૂલોની અને હિંદુ સમાજની માફી ભગવાન પાસે માગી શક્યા હોત. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે પંડિત નેહરુએ સોમનાથ મંદિર સાથે જે કર્યું, તે જ કોંગ્રેસના મુખ્ય નેતાઓએ રામ મંદિર સાથે પણ કર્યું છે. અને જો તેમનું આ જ વર્તન રહ્યું તો દેશની જનતા અને ઈતિહાસ તેમને હિંદુ વિરોધી પક્ષ ગણાવતા જ રહેશે.
સરમાએ પોતાની પોસ્ટની સાથે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જારી કરેલા નિવેદનને પણ શેર કર્યું હતુંય જેમાં કહેવામાં આવ્યું હતું કે પાર્ટીના નેતા સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીએ રામ મંદિરના આમંત્રણને ફગાવી દીધું હતું.