ડુંગળીના વધતા ભાવને નિયંત્રિત કરવા કેન્દ્ર સરકારે કર્યો આ મોટો નિર્ણય, આજથી જ અમલી
ભારત સરકારે સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા માટે તેની નિકાસ પર નિયંત્રણો જાળવી રાખ્યા છે. સરકારે ડુંગળીની નિકાસ પરનો સંપૂર્ણ પ્રતિબંધ હટાવી લીધો હોવા છતાં ફરીથી ભારે નિકાસ ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે. આ અંગે એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા નિકાસ જકાત લાદવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ પૂર્વે ગયા વર્ષે ઓગસ્ટમાં ડુંગળીની નિકાસ પર 40 ટકા નિકાસ જકાત લાદવાનો નિર્ણય કર્યો હતો. ગયા વર્ષે સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવમાં ભારે વધારો થયા બાદ સરકારે આ નિર્ણય લીધો હતો.
સરકારે ડુંગળીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દીધો હતો
જ્યારે ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા શરૂઆતમાં 31 ડિસેમ્બર 2023 સુધી નિકાસ ડ્યુટી લાદવામાં આવી હતી. જો કે તે પછી પણ સ્થાનિક બજારમાં પુરવઠામાં અપેક્ષિત સુધારો ન થતાં સરકારે ડુંગળીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દીધો હતો. ડુંગળીની નિકાસ પરનો સંપૂર્ણ પ્રતિબંધ થોડા સમય માટે ધીમે ધીમે હળવો કરવામાં આવી રહ્યો હતો.
આ દેશો માટે છૂટ આપવામાં આવી છે
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ વચ્ચે ભારત સરકારે તાજેતરમાં કેટલાક પડોશી દેશોમાં ડુંગળીના કન્સાઇનમેન્ટ મોકલવાની મંજૂરી આપી હતી. ગયા મહિને કેન્દ્ર સરકારે માહિતી આપી હતી કે લગભગ 1 લાખ ટન ડુંગળીના કન્સાઇનમેન્ટને છ દેશોમાં મોકલવાની મંજૂરી આપવામાં આવી છે. જે છ દેશોમાં ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે તેમાં બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત, ભૂટાન, બહેરીન, મોરેશિયસ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. આ તમામ 6 પાડોશી દેશોમાં મળીને 99 હજાર 150 ટન ડુંગળીની નિકાસ કરવામાં આવશે.
આજથી લાગુ થયા આ ફેરફારો
ડુંગળીની સાથે સાથે અન્ય કેટલીક એગ્રી કોમોડિટીના કિસ્સામાં, સરકારે વેપારને લગતી નીતિઓમાં કેટલાક ફેરફારો કર્યા છે. સરકારે દેશી ચણાને 31 ડિસેમ્બર 2025 સુધી આયાત જકાતમાંથી મુક્તિ આપી છે. એ જ રીતે, પીળા વટાણા પરની આયાત ડ્યૂટીની મુક્તિને 31 ઓક્ટોબર 2024 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ ફેરફારો 4 મેથી લાગુ થઈ ગયા છે.