વિપક્ષના ફોન હેક કરવાના આરોપો સામે કેન્દ્ર સરકારે આપ્યો આ જવાબ, જાણો શું છે મામલો?
નવી દિલ્હી: વિપક્ષના ફોન ‘હેક’ કરવાના આરોપો સામે સરકારે જવાબ આપ્યો હતો કે એપલની એડવાઇઝરી 150 દેશોમાં જાહેર થઇ છે. આ મુદ્દાની ગંભીરતાપૂર્વક નોંધ લેવાઇ છે અને સરકાર આ મુદ્દે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, શશિ થરૂર, ટીએમસી નેતા મહુઆ મોઇત્રા, શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદી અને એઆઇએમઆઇએમ નેતા અસદુદ્દીન ઓવૈસી સહિત વિપક્ષના અનેક નેતાઓએ દાવો કર્યો છે કે તેમના ફોન હેક થઇ રહ્યા છે. કેન્દ્રીય સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકી પ્રધાન અશ્વિની વૈષ્ણવે સમગ્ર વિવાદમાં સરકાર તરફથી જવાબ રજૂ કર્યો હતો.
એક પત્રકાર પરિષદ યોજી કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે નિવેદન આપ્યું હતું કે સમગ્ર હેકિંગ વિવાદની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે, સરકાર આ મુદ્દે ચિંતિત છે અને આ મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવાનો આદેશ આપવામાં આવ્યા છે. દેશમાં અમુક ટીકાકારો છે કે જેઓ દેશના વિકાસને સહન નથી કરી શકતા, દેશમાં જ્યારે તેમના પરિવારની સત્તા હતી ત્યારે તેમણે ફક્ત પોતાના વિશે વિચાર્યું.
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું, “એપલ તરફથી કેટલાક લોકોને એલર્ટ મળ્યું છે, જેના વિશે હું સ્પષ્ટતા કરવા માગુ છું કે કેન્દ્ર સરકાર આ મુદ્દાને લઇને ગંભીર છે. આ અંગે અમે તપાસના આદેશ આપી દીધા છે. અમે ઘટનાના મૂળ સુધી તપાસ કરાવીશું.”
આ સાથે જ કેન્દ્રીય પ્રધાને વિપક્ષ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, “હું તમારી સામે એક વાત મુકવા માંગુ છું. આપણા દેશમાં કેટલાક આલોચકો છે, જેમની સતત આલોચના કરવાની આદત હોય છે. તેમની એવી હાલત છે કે જ્યારે ઉંઘમાંથી ઉઠવાની સાથે જ તેઓ સરકારની ટીકા કરવાનું શરૂ કરી દે છે. આ લોકો દેશની ઉન્નતિને પચાવી શકતા નથી..કારણકે જ્યારે એ લોકો સત્તામાં હતા ત્યારે તેમણે ફક્ત તેમના પોતાના વિશે જ વિચાર્યું..પોતાનું પેટ કેવીરીતે ભરાય, પોતાનું પોષણ કઇ રીતે થાય એ તેમણે વિચાર્યું, દેશના લોકો સાથે તેમને લેવાદેવા ન હતી..”
એપલે 150 દેશોમાં એડવાઇઝરી જાહેર કરી છે. તેમને પણ ખ્યાલ નથી કે શું થયું છે. તેમણે એક ચોક્કસ અનુમાનના આધારે લોકોને એલર્ટ મોકલ્યું છે. તમને સૌને ખ્યાલ છે કે એપલ એવો દાવો કરતું આવ્યું છે કે તેના ફોન કોઇ હેક ન કરી શકે. એપલે પોતાનો પક્ષ મુક્યો છે એટલે વિપક્ષના દાવામાં કોઇ તથ્ય નથી, તેવું કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું.
વિપક્ષો ફક્ત ‘ધ્યાન આકર્ષવાની નીતિ’ પર રાજકારણ રમે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે પ્રકારે દેશનું કદ વધ્યું છે, તેને પગલે તેઓ મુશ્કેલીઓ ઉભી કરીને હેરાન કરવાના ઇરાદે આ કામ કરી રહ્યા છે, તેવું અશ્વિની વૈષ્ણવે નિવેદન આપ્યું હતું.