સાત કૃષિ કોમોડિટીના વાયદા પરના પ્રતિબંધને વધુ ચાલીસ દિવસ લંબાવાયો
મુંબઈ: સાત કૃષિ કોમોડિટીસના ડેરિવેટિવ્સ કોન્ટ્રેકટસમાં વેપાર પ્રતિબંધને સિક્યુરિટીસ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ 31મી જાન્યુઆરી, 2025 સુધી લંબાવ્યો છે. પ્રતિબંધ માત્ર ચાલીસ દિવસ સુધી જ લંબાવાતા આવતા વર્ષમાં પ્રતિબંધ ઉઠાવી લેવાશે તેવી ટ્રેડરોને અપેક્ષા છે.
સેબી દ્વારા બુધવારે મોડી રાતે જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયા પ્રમાણે, ડાંગર (નોન-બાસમતિ), ઘઉં, ચણા, સરસવ અને તેના ડેરિવેટિવ્સ, સોયાબીન અને તેના ડેરિવેટિવ્સ, ક્રુડ પામ ઓઈલ અને મગ પરના વાયદા વેપાર પરનો પ્રતિબંધ જે 20મી ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે તેને 31મી જાન્યુઆરી, 2025 સુધી લંબાવાયો છે. વાયદા વેપાર પરનો પ્રતિબંધ થોડાક સમય પૂરતું જ લંબાવાયો હોવાથી નવા વર્ષમાં તે ઉઠાવી લેવાશે તેવી ટ્રેડરોને આશા જાગી છે.
Also Read – Weather Update : દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો, હવામાન વિભાગે કરી આ આગાહી
ડિસેમ્બર, 2021માં સેબીએ પ્રારંભમાં પાંચ કૃષિ કોમોડિટીસ ઘઉં,સોયાબીન, ક્રુડ પામ ઓઈલ, ડાંગર અને મગના વાયદા વેપારને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. તે પહેલા 17મી ઓગસ્ટ, 2021ના ચણા અને 8મી ઓકટોબર, 2021ના સરસવ તથા સરસવ તેલના વાયદાને સસ્પેન્ડ કરાયા હતા.
ત્યારબાદ સેબી આ વેપાર પ્રતિબંધને સતત લંબાવતું રહ્યું છે. કોમોડિટીના ભાવમાં સમયાંતરે આવતા ઉછાળા પર અંકૂશ રાખવાના ભાગરૂપ આ પ્રતિબંધ મુકાયા હોવાનું માનવામાં આવે છે. આ પ્રતિબંધ છતાં સદર કોમોડિટીસના ભાવમાં ભાગ્યે જ ઘટાડો જોવા મળ્યો હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું, જે કૃષિ કોમોડિટીસના ભાવ માગ-પૂરવઠાની સ્થિતિ પ્રમાણે વધઘટ થઈ રહ્યાનું સૂચવે છે, તેમ ટ્રેડરો દાવો કરી રહ્યા છે.