Flight Delay: ઉડ્ડયન મંત્રાલયએ ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટને નોટિસ મોકલી, આજ રાત સુધી જવાબ માંગ્યો
નવી દિલ્હી: ફ્લાઈટ ડીલે થતા મુંબઈના એરપોર્ટ પર મુસાફરો રન વે પર બેસીને ડીનર લઇ રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) ના બ્યુરો ઑફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ આજે મંગળવારેના રોજ ઈન્ડિગો એરલાઈન્સ અને મુંબઈ એરપોર્ટને નોટિસ પાઠવી હતી.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે એરલાઈન્સ અને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) પરિસ્થિતિનો અંદાજ કાઢવામાં અને એરપોર્ટ પર મુસાફરો માટે યોગ્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં.
એરક્રાફ્ટને કોન્ટેક્ટ સ્ટેન્ડને બદલે રિમોટ C-33 ફાળવવામાં આવ્યું હતું. આનાથી મુસાફરોની સમસ્યાઓમાં વધુ વધારો થયો હતો. મુસાફરોએ ટર્મિનલ પર રેસ્ટ રૂમ અને રીફ્રેશ્મેન્ટ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવી ન હતી. ઘણા મુસાફરો આ અંગે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી હતી.
BCAS દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ફ્લાઇટ 6E 2195 ડાયવર્ઝનને કારણે રવિવારે (14 જાન્યુઆરી) રાતે 23:21 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. 15 જાન્યુઆરીના રોજ, ઇન્ડિગોએ સુરક્ષા તપાસ પ્રક્રિયાને અનુસર્યા વિના મુસાફરોને એપ્રોન પર ફ્લાઇટથી ઉતરવાની મંજૂરી આપી હતી. આ દરમિયાન મુસાફરો રનવે પર લાંબા સમય સુધી બેઠેલા જોવા મળ્યા હતા. મુસાફરોને લાંબા સમય સુધી ફ્લાઈટ નંબર 6E 2091માં બેસાડી રાખવામાં આવ્યા હતા. એરક્રાફ્ટ ઓપરેટરે આ ઘટના વિશે BCASને જાણ કરી ન હતી, જે એરક્રાફ્ટ (સેફ્ટી) રૂલ્સ 2023ના નિયમ 51નું ઉલ્લંઘન છે. મુંબઈના ASGને પણ પરિસ્થિતિ અંગે અગાઉથી ચેતવણી આપવામાં આવી ન હતી.
બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ આ મામલે ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટ પાસેથી મંગળવારની રાત (16 જાન્યુઆરી) સુધીમાં જવાબ માંગ્યો છે. જો બંને નિર્ધારિત સમયમાં જવાબ નહીં આપે તો તેમની સામે નાણાકીય દંડ સહિત અન્ય ઘણી કાર્યવાહી થઈ શકે છે.