યુસીસીના માર્ગે આસામ હિમંતા સરકારે મુસ્લિમ મેરેજ એક્ટ નાબૂદ કર્યો
દિબ્રુગઢ: આસામ પણ હવે ઉત્તરાખંડના માર્ગે ચાલી નીકળ્યું છે. આસામ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) તરફ પહેલું પગલું ભર્યું છે. રાજ્યની હિમંતા સરકારે મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ૧૯૩૫ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. હવે રાજ્યમાં તમામ લગ્ન અને છૂટાછેડા સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થશે.
મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ૨૩ ફેબ્રુઆરીએ આસામ કેબિનેટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો અને વર્ષો જૂનો આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ૧૯૩૫ પાછો ખેંચી લીધો છે. આ કાયદામાં એવી જોગવાઈઓ હતી કે વર અને ક્ધયાની લગ્ન માટે કાયદેસરની ઉંમર એટલે કે છોકરીઓ માટે ૧૮ વર્ષ અને છોકરાઓ માટે ૨૧ વર્ષ ન હોય તો પણ લગ્નની નોંધણી કરાવી શકાય. આસામમાં બાળ લગ્ન રોકવાની દિશામાં
આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
આ નિર્ણય વિશે માહિતી આપતા રાજ્યના પર્યટન પ્રધાન જયંત બરુઆએ કહ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડની દિશામાં આ એક મોટું પગલું છે. તેમણે કહ્યું કે અમારા મુખ્ય પ્રધાન પહેલા જ જાહેરાત કરી ચૂક્યા છે કે આસામ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરશે. આજે અમે મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજિસ્ટ્રેશન એક્ટને રદ્દ કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે.
કેબિનેટ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે હવે જિલ્લા કમિશનર અને જિલ્લા રજિસ્ટ્રારને મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા રજિસ્ટ્રેશનના મુદ્દે સત્તા રહેશે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ હેઠળ કામ કરતા ૯૪ મુસ્લિમ રજિસ્ટ્રારને પણ હટાવવામાં આવ્યા છે, તેમને ૨ લાખ રૂપિયાનું વળતર આપીને તેમની ફરજમાંથી મુક્ત કરવામાં આવશે. જયંત બરુઆએ વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય દ્વારા સરકાર રાજ્યમાં બાળ લગ્ન સામે પણ પગલાં લઈ રહી છે.