અલાહાબાદ હાઈ કોર્ટે કોલી, પંઢેરને છોડી મૂક્યા
નિઠારી હત્યાકાંડ કેસ
પ્રયાગરાજ: નોએડામાં થયેલા નિઠારી સિરિયલ મર્ડર કેસમાં અલાહાબાદ હાઈ કોર્ટે સુરેન્દ્ર કોલી અને મોનિંદરસિંહ પંઢેરને છોડી મુક્યા હતા. બંનેને બળાત્કાર અને હત્યાના આરોપસર મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.
ન્યાયમૂર્તિ અશ્ર્વિનકુમાર મિશ્રા અને ન્યાયમૂર્તિ રિઝવીની બે જજની ખંડપીઠે કહ્યું કે ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હતો. કોલી ગાઝિયાબાદની ડાસના જેલમાં અને મોનિંદરસિંહ નોઈડા જેલમાં છે. નોઈડાના નિઠારી વિસ્તારમાં પંઢેરના નિવાસસ્થાનની પાછળ આવેલી ગટરમાંથી આઠ બાળકના મૃતદેહના અવશેષ મળી આવ્યા હતા. તે પછી આ હત્યાકાંડનો ભંડાફોડ થયો હતો. આ જ વિસ્તારની અન્ય ગટરોમાં ખોદકામ કરી શોધ ચલાવવામાં આવતા વધુ અવશેષો મળી આવ્યા હતા. આ વિસ્તારમાંથી ગુમ ગરીબ બાળકો અને યુવતીઓ લાપતા થયા હતા. તેમના અવશેષો હતા તેવી જાણ થઈ હતી.
૨૯ ડિસેમ્બર ૨૦૦૬ તારીખે હત્યાકાંડની જાણ પ્રથમવાર થઈ હતી તે પછી દસ દિવસની અંદર સીબીઆઈએ કેસ હાથમાં લીધો હતો. ૨૦૦૭માં પંઢેર અને તેના મદદનીશ કોલી સામે કુલ ૧૯ કેસ નોંધવામાં આવ્યા હતા. પુરાવાના અભાવે ૧૯માંથી ત્રણ કેસ સીબીઆઈએ બંધ કરી દીધા હતા. ૧૩મી ફેબ્રુઆરી ૨૦૦૯ તારીખે કોલી અને પંઢેરને ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે મૃત્યુદંડની સજા સામે અલાહાબાદ હાઈ કોર્ટમાં અપીલ કરી હતી જેના પર સુનાવણી કરવા અલાહાબાદ હાઈ કોર્ટે મંજૂરી આપી હતી.
અલાહાબાદ હાઈ કોર્ટે સોમવારે બંનેને પુરાવાના અભાવે છોડી મુક્યા હતા. કેસ ‘બિયોન્ડ રિઝનેબલ ડાઉટ’ પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો છે, તેવું હાઈ કોર્ટની બે જજની ખંડપીઠે કહ્યું હતું.