આફ્રિકન યુનિયન જી-૨૦નું કાયમી સભ્ય બન્યું
નવી દિલ્હી: શનિવારે આફ્રિકન યુનિયન ગ્રૂપ ઑફ ૨૦ લાર્જેસ્ટ ઇકોનોમિઝ (જી-૨૦) રાષ્ટ્ર સમૂહનું કાયમી સભ્ય બન્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીસ રાષ્ટ્રોના સમૂહમાં આફ્રિકન યુનિયનના પ્રવેશની સત્તાવાર જાહેરાત કરી હતી. બે દિવસની જી-૨૦ શિખર પરિષદમાં વક્તવ્યના પ્રારંભની ટિપ્પણીમાં પંચાવન રાષ્ટ્રોના આફ્રિકન યુનિયનના પ્રવેશની જાણકારી આપવા સાથે નવા સભ્યનું સ્વાગત કર્યું હતું.
નરેન્દ્ર મોદીએ સત્તાવાર જાહેરાત કર્યા પછી યુનિયન ઑફ કોમોરોસના પ્રમુખ અને આફ્રિકન યુનિયનના અધ્યક્ષ અઝાલી આસુમાનીએ જી-૨૦ના સંપૂર્ણ સભ્ય તરીકે બેઠક ગ્રહણ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ની ભાવનાના ઉપલક્ષમાં ભારતે આફ્રિકન યુનિયનને જી-૨૦નું કાયમી સભ્ય બનાવવાની દરખાસ્ત મૂકી હતી. હું માનું છું કે આ દરખાસ્ત પર સૌ સંમત છે. હું આપણું કામકાજ શરૂ કરું એ પહેલાં આફ્રિકન યુનિયનના પ્રમુખને કાયમી સભ્યરૂપે તેમનું સ્થાન ગ્રહણ કરવાનું આમંત્રણ આપું છું.
આફ્રિકન યુનિયનને જી-૨૦નું કાયમી સભ્યપદ આપવાના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગેવાની લીધી હતી. ગયા જૂન મહિનામાં નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં જી-૨૦ની શિખર પરિષદ દરમિયાન આફ્રિકન યુનિયનને આ રાષ્ટ્ર સમૂહનું સંપૂર્ણ સભ્યપદ આપવાની ભલામણનો પત્ર લખ્યો હતો. ગયા જુલાઈ મહિનામાં કર્ણાટકના હમ્પીમાં ત્રીજી જી-૨૦ શેરપાઝ મીટિંગમાં આફ્રિકન યુનિયનના સભ્યપદની દરખાસ્ત નવી દિલ્હીમાં યોજાનારી શિખર પરિષદમાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો હતો.
વર્ષ ૧૯૯૯માં વૈશ્ર્વિક સ્તરે કેટલાક કટોકટીભર્યા આર્થિક મુદ્દાના અનુસંધાનમાં જી-૨૦ની સ્થાપના કરવામાં આવી હતી. જી-૨૦ના સભ્યદેશો વિશ્ર્વના ૮૫ ટકા જીડીપી, વૈશ્ર્વિક વ્યાપારના ૭૫ ટકા અને વિશ્ર્વની બેતૃતીયાંશ વસતીનું પ્રતિનિધિત્વ કરે છે. જી-૨૦ સંગઠનમાં નવા સભ્ય સિવાયના સભ્યોમાં આર્જેન્ટિના, ઑસ્ટ્રેેલિયા, બ્રાઝિલ, કૅનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, ધ રિપબ્લિક ઑફ કોરિયા, મૅક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, ટર્કી, બ્રિટન, અમેરિકા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ છે. (એજન્સી)