Tesla in crisis: ટેસ્લાના હજારો કર્મચારીઓ થશે બેરોજગાર, ઈલોન મસ્કની કંપની મુશ્કેલીમાં
અમેરિકન બિલિયોનેર ઈલોન મસ્ક આ મહિનાના અંતે ભારતની મુલાકતે(Elon Musk’s India Visit) આવવાના છે. ભારત સરકાર(Central Gov) ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લા(Tesla)નો પ્લાન્ટ ભારતમાં લાવવામાં પ્રયત્નો કરી રહી છે, જેના માટે સરકાર કંપનીને વિશેષ છૂટછાટ આપે તેવી પણ અટકળો છે. એવામાં ટેસ્લા તેના 10% થી વધુ કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. કારના વેચાણમાં ઘટાડો અને વધતી મેન્યુફેક્ચરિંગ કિંમતોને કારણે કંપની મુશ્કેલીમાંથી પસાર થઇ રહી છે, આ કારણોસર કંપનીએ આ નિર્ણય જાહેર કર્યો છે.
આ અગાઉ ટેસ્લા કંપનીએ છેલ્લે વર્ષ 2022માં છટણીની જાહેરાત કરી હતી. યુએસ રેગ્યુલેટર્સ સાથેની ફાઇલિંગ અનુસાર, વર્ષ 2021 ના અંતમાં ટેસ્લાની વર્કફોર્સ આશરે 100,000 હતી કે વધીને વધીને વર્ષ 2023 ના અંતે 140,000 થી થઇ હતી. આવી સ્થિતિમાં જો હાલ 10 ટકા કર્મચારીઓને છૂટા કરવામાં આવે તો 14 હજારથી વધુ કર્મચારીઓ રોજગારી ગુમાવશે.
એક આહેવાલ મુજબ સોમવારે ટેસ્લાના શેર 5.6% ઘટીને $161.48 પર બંધ થયા હતા. આ વર્ષે ટેસ્લાના શેર 31% ઘટ્યા છે, જે S&P 500 ઇન્ડેક્સમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર શેરોમાંનો એક છે.
ઈલોન મસ્કએ તમામ કર્મચારીઓને મોકલેલા ઈમેલમાં જણાવ્યું હતું કે અમે કંપનીને તેના વિકાસના આગામી તબક્કા માટે તૈયાર કરી રહ્યા છીએ, ત્યારે ખર્ચ ઘટાડવા અને ઉત્પાદકતા વધારવા માટે કંપનીના દરેક પાસાઓ પર ધ્યાન આપવું અત્યંત મહત્વપૂર્ણ છે. આ પ્રયાસના ભાગરૂપે, અમે સંસ્થાની સંપૂર્ણ સમીક્ષા હાથ ધરી છે અને વૈશ્વિક સ્તરે અમારા કર્મચારીઓની સંખ્યામાં 10% થી વધુ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
એક અહેવાલ મુજબ અમેરિકા અને ચીનમાં ટેસ્લાની કારનું વેચાણ સતત ઘટી રહ્યું છે. પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની કાર્સ ડિલિવરીમાં ઘટાડો નોંધાયો છે. 4 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે તેના વેચાણમાં ઘટાડો થયો છે.
આ દરમિયાન, કંપનીએ સસ્તા ઇલેક્ટ્રિક વિહિકલ(EV) બનાવવાની યોજના પણ રદ કરી દીધી છે. અગાઉ ટેસ્લા એક સસ્તી કાર લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જેની કિંમત $25,000 હોવાની અપેક્ષા હતી. મસ્કે જણાવ્યું હતું કે મોડલ 2 તરીકે ઓળખાતી કારનું ઉત્પાદન 2025ના અંતમાં શરૂ થશે. જોકે આ યોજના હાલ પુરતી રદ કરવામાં આવી છે.