Tesla અરબોનું રોકાણ કરવા તૈયાર પણ આ એક શરત સરકારે કરવી પડશે મંજૂર
આખો દેશ જે રોકાણની રાહ જોઈ રહ્યો છે અને ગુજરાતના જાન્યુઆરીના વાયબ્રન્ટ સમિટમાં જે કરાર થવાની શક્યતાઓના દાવાઓ થઈ રહ્યા છે તે ટેસ્લા કારના માલિક ભારતમાં મોટું રોકાણ કરવા તો તૈયાર છે, પરંતુ તેમણે ભારત સરકાર સામે એક માગણી કરી છે, જો તે પૂરી કરવામાં આવે તો શક્ય છે કે આ વિશ્વવિખ્તા ઈલેક્ટ્રિક વાહન (ઈવી)ભારતમાં બને.
આ શરત એવી છે કે કે બિઝનેસના પ્રથમ બે વર્ષમાં સરકારે તેના વાહનો પરની આયાત ડ્યૂટી (ઈમ્પોર્ટ્ ડ્યૂટી) ઘટાડીને 15 ટકા કરવી પડશે.
જાણીતા આંતરરાષ્ટ્રીય અખબારના અહેવાલમાં જણાવાયું છે કે જો સરકાર 12,000 વાહનોની આયાત ડ્યૂટી ઘટાડે છે, તો તે 500 મિલિયન યુએસ ડોલર સુધીનું રોકાણ કરવા તૈયાર છે. દેશમાં, 40,000 યુએસ ડોલરથી વધુ કિંમતની કાર પર આયાત જકાત 100 ટકા છે અને બાકીના પર તે 70 ટકા છે.
જો સરકાર 30,000 વાહનો પર આ ટેક્સ ઘટાડે છે, તો ટેસ્લા બે અબજ ડોલર સુધીનું રોકાણ કરી શકે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર ટેસ્લાના આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે પરંતુ તે ઓછા ટેક્સ પર આયાત થતા વાહનોની સંખ્યા ઘટાડવા માંગે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ઈવીના વેચાણમાં ઝડપથી વધારો થયો છે. ગયા વર્ષે પણ ટેસ્લાએ તેની ઇલેક્ટ્રિક કાર માટે આયાત કર ઘટાડવાની માંગ કરી હતી. ટેસ્લાને સરકાર દ્વારા દેશમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા અને (ઈવી)નું ઉત્પાદન શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.
તાજેતરમાં જ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર ઈલેક્ટ્રિક વાહનો પર ઈમ્પોર્ટ ટેરિફ ઘટાડવા પર વિચાર કરી રહી છે. જો આવું થાય છે, તો વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્કની આ કંપનીને ટૂંક સમયમાં દેશમાં બિઝનેસ શરૂ કરવા માટે તૈયાર થઈ જાય તેમ છે.
જોકે આ મામલે મસ્ક અથવા ભારતીય સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી.