આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે પરંતુ આતંકવાદીઓ તરફથી કોઇ જ પ્રતિકાર નહી…
અનંતનાગમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે સેનાનું ઓપરેશન હજુ પણ ચાલુ છે. સુરક્ષા દળો અત્યારે એ વિસ્તારની નજીક પહોંચી ગયા છે જ્યાં આતંકવાદીઓ છુપાઇને બેઠા છે. આ આખા એરિયાને સેનાના જવાનો દ્વારા ઘેરી લેવામાં આવ્યો છે. અનંતનાગના કોકરનાગના ગડોલ વિસ્તારમાં મંગળવારે મોડી રાતથી આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું છે.જો કે વરસાદના કારણે શનિવાર રાતથી ગોળીબાર બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ સેનાના જવાનો ડ્રોન વડે આતંકીઓ પર સતત નજર રાખી રહ્યા હતા.
લશ્કર-એ-તોયબાના બેથી ત્રણ આતંકવાદીઓ જંગલોમાં છુપાયેલા છે, તેમાં ઉઝૈર ખાનનો પણ સમાવેશ થાય છે, જે ગયા વર્ષે આતંકવાદીઓ સાથે જોડાયો હતો અને તે આ વિસ્તારના દરેક ખૂણાથી સારી રીતે વાકેફ છે. આ ઉપરાત સતત વરસતા વરસાદના કારણે પણ સર્ચ ઓપરેશનમાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ખાસ કરીને પીર પંજાલની આ ટેકરીઓ પર ગાઢ જંગલો, ગુફાઓ અને ખાડાઓ છે જ્યાં સતત વરસતા વરસાદના કારણે વાતાવરણ ધૂંધળું થઇ જાય છે અને દૂર સુધી જોવામાં પણ તકલીફ પડે છે અને એટલેજ આતંકવાદીઓ સરળતાથી છુપાઇ જાય છે. જો કે આ વિસ્તારમાં આતંકવાદીઓ તરફથી કોઇ ગોળીબાર થઇ રહ્યો નથી. પરંતુ જ્યાં સુધી તે વિસ્તાર સંપૂર્ણપણે સેનિટાઈઝ ન થાય ત્યાં સુધી સેનાના જવાનો ત્યાં જઈ શકતા નથી.
આ વિસ્તારને સાફ કરવા માટે આર્મી ડોગ્સ અને એક્સપ્લોઝિવ ડિટેક્શન ઇક્વિપમેન્ટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી જો ક્યાંય પણ વિસ્ફોટક મળી આવે તો તેને પહેલા શોધીને તેને ડિફ્યુઝ કરી શકાય. જો કે સામેથી કોઇ પ્રતિકાર થતો નથી ત્યારે સુરક્ષા દળોએ કોઇ પણ નિર્ણય પર પહોંચવું એકદમ મુશ્કેલ છે જો આતંકવાદી મરી ગયા હોય તો પણ તેમના મૃતદેહ પણ ત્યાંતી કોઇ લઇ જઇ શકે તેમ નથી કારણકે સેનાએ આખા વિસ્તારને ઘેરી લીધેલો છે. આથી સેના એકદમ ઘીરજ અને ધ્યાન રાખીને દરેક પગલાં લઇ રહી છે. સેના આતંકવાદીઓને છોડવાની નથી અને તેમને ખતમ કરવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એન્કાઉન્ટરનો આજે છઠ્ઠો દિવસ છે. પહાડ પરની ગુફામાં છુપાયેલા આતંકીઓ સાથે એન્કાઉન્ટર ચાલુ છે. આતંકવાદીઓને ખતમ કરવા માટે સેના ખાસ ડ્રોનની મદદ લઈ રહી છે. અહીં છુપાયેલા આતંકવાદીઓની ગોળીઓથી જ આર્મી ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હિમાયુ ભટ્ટ શહીદ થયા હતા.