કાશ્મીરમાં આર્મીના વાહન પર આતંકવાદીઓએ કર્યું ફાયરિંગ, સર્ચ ઓપરેશન જારી
કઠુઆઃ જમ્મુ કાશ્મીરના કઠુઆ વિસ્તારમાં આતંકવાદીઓએ આર્મીના વ્હિકલ પર હુમલો કરતા ફાયરિંગ કર્યું હતું. એની સામે આર્મીના જવાનોએ વળતો જવાબ આપ્યો હતો, જ્યારે આર્મી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
જમ્મુ કાશ્મીરના ફરી એક વખત આર્મીના વાહન પર હુમલો કરવામાં આવ્યો છે. કઠુઆના બિલાવર વિસ્તારમાં આર્મીના વાહન પર આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું, જ્યારે તેનો જવાબ પણ આર્મીએ આપ્યો હતો. આતંકવાદીઓ ગ્રેનેડ લઈને આવ્યા હતા. આતંકવાદીઓએ વાહન પર ગ્રેનેડ ફેંકીને ફાયરિંગ શરુ કર્યું હતું. એનો વળતો જવાબ ઈન્ડિયન આર્મીએ પણ આક્રમક રીતે આપ્યો હોવાનું આર્મીએ જણાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર બેથી ત્રણ આતંકવાદીઓએ આર્મીના વાહન પર હુમલો કર્યો હતો, જેમાં આર્મીએ પણ આતંકવાદીઓ પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલા પછી આર્મીએ સમગ્ર વિસ્તારનો ઘેરાવો કરી લીધો હતો, ત્યારબાદ તપાસ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે.
અહીં એ જણાવવાનું કે એક દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાની છાવણી પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં આર્મીનો એક જવાનને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં આર્મીનો જવાન ઘાયલ થયો હતો, પરંતુ એ વખતે અંધારાનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા.