Jammu Kashmirના બારામુલ્લા અને ઉરીમાં સેનાનું મોટું ઓપરેશન, આતંકીઓએ ગોળીબાર કર્યો, ઓપરેશન ચાલુ
બારામુલ્લા : જમ્મુ-કાશ્મીરના(Jammu Kashmir) ઉરી સેક્ટરમાં આતંકવાદીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવ્યા બાદ સેનાએ હવે બારામુલ્લા અને ઉરીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ચિનાર કોર્પ્સે કહ્યું છે કે એલઓસીની નજીકના વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસની માહિતી મળી હતી. આ પછી સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં શંકાસ્પદ ગતિવિધિઓની તપાસ કર્યા બાદ જ્યારે સુરક્ષા દળોએ પડકાર ફેંક્યો ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો. આતંકવાદીઓના ગોળીબારનો સુરક્ષા દળો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.
આતંકીઓએ યુવકની ગોળી મારીને હત્યા કરી નાખી
આ પૂર્વે ઘૂસણખોરો એલઓસીના કમલકોટ વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સેનાને આ માહિતી ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ દ્વારા મળી હતી. સુરક્ષા દળોએ આતંકીઓને ઠાર કર્યા. 18 ઓક્ટોબરે આતંકવાદીઓએ શોપિયામાં એક બિન-કાશ્મીરીઓને નિશાન બનાવ્યા હતા. અહીં આતંકીઓએ યુવકની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
ટાર્ગેટ કિલિંગનો હથિયાર તરીકે ઉપયોગ
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ મોટા અભિયાન બાદ ઉશ્કેરાયેલા આતંકવાદીઓ હવે ટાર્ગેટ કિલિંગનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. ગયા વર્ષે કાશ્મીરમાં ઘણી જગ્યાએ બિન-કાશ્મીરીઓની હત્યા કરવામાં આવી હતી. પુલવામા, પૂંછ અને અનંતનાગમાં આતંકવાદીઓ દ્વારા ગુપ્ત રીતે ઘણા લોકોની હત્યા કરવામાં આવી હતી. ફેબ્રુઆરી મહિનામાં હબ્બા કદલ વિસ્તારમાં શીખ સમુદાયના બે લોકોની હત્યા કરવામાં આવી હતી. કાશ્મીરી પંડિત સંજય શર્માની ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પુલવામામાં હત્યા કરવામાં આવી હતી.
સુરક્ષાદળોએ આતંકીઓ પર કડક કાર્યવાહી કરી
આ વખતે જ્યારે NDAએ કેન્દ્રમાં સરકાર બનાવી છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી હુમલાઓ તેજ થઈ ગયા છે. જો કે સુરક્ષાદળોએ આતંકીઓ પર કડક કાર્યવાહી કરી હતી. હવે તેમને સ્થાનિક લોકો તરફથી મળતી મદદ પણ ઘણી ઓછી થઈ ગઈ છે. હાલ તેમને પોતાનો જીવ બચાવવા ભાગવું પડે છે અથવા સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા જાય છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ કાશ્મીરમાં આતંકવાદીઓની ઘટતી સંખ્યાને સહન કરી શકતા નથી. તેથી તેઓ સતત ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે.