વાયુસેનાના કાફલા પર આતંકવાદી હુમલો : 7 મેએ પુત્રનો જન્મદિવસ ઉજવવા આવનાર સૈનિક શહીદ | મુંબઈ સમાચાર

વાયુસેનાના કાફલા પર આતંકવાદી હુમલો : 7 મેએ પુત્રનો જન્મદિવસ ઉજવવા આવનાર સૈનિક શહીદ

પૂંછ : જમ્મુ-કાશ્મીરના પુંછમાં (Poonch) શનિવાર સાંજે થયેલા આતંકવાદી હુમલામાં (Terrorist Attack in Poonch) મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાનાં વિકી પહાડે (Vikky Pahade) શહીદ થયા હતા. તેઓ 7 મેના રોજ તેમના પુત્રના જન્મદિવસની ઉજવણી કરવા ઘરે આવવાના હતા. છિંદવાડાનાં વિકી પહાડે એરફોર્સમાં કામ કરતા હતા અને શનિવારે સાંજે સૈનિકો પર થયેલા આતંકી હુમલામાં શહીદ થયા હતા. વિકી વર્ષ 2011માં એરફોર્સમાં જોડાયા હતા. તેના પરિવારમાં માતા, પત્ની અને 5 વર્ષનો પુત્ર છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શનિવારે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકવાદીઓએ ભારતીય વાયુસેના (IAF)ના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં એરફોર્સનાં સૈનિક વિકી પહાડેનું મોત થયું હતું. જ્યારે અન્ય ચાર જવાનો ઘાયલ થયા હતા. આ ઘટના 25 મેના રોજ અનંતનાગ-રાજૌરી લોકસભા ક્ષેત્રમાં મતદાનના ત્રણ અઠવાડિયા પહેલા બની છે.

ભારતીય વાયુસેનાએ ‘X’ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “કાફલાને સુરક્ષિત કરી લેવામાં આવ્યો છે,” ભારતીય વાયુસેનાએ બીજી પોસ્ટમાં કહ્યું કે “આતંકવાદીઓનાં ગોળીબારમાં એરફોર્સના સૈનિકોએ જવાબી ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન ભારતીય વાયુસેનાના પાંચ જવાનોને ગોળી વાગી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની સૈન્ય હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડાયા હતા. વાયુસેનાનાં એક અધિકારીનું સારવાર દરમિયાન મોત થયું હતું. સ્થાનિક સુરક્ષા દળો દ્વારા આગળની કાર્યવાહી ચાલી રહી છે.”

સેનાના અધિકારીઓને હુમલામાં આતંકવાદીઓના એ જ જૂથની સંડોવણીની શંકા છે જેમણે ગયા વર્ષે 21 ડિસેમ્બરે નજીકના બફલિયાઝમાં સૈનિકો પર હુમલો કર્યો હતો, જેમાં ચાર સૈનિકો શહીદ થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.

સંબંધિત લેખો

Back to top button