ત્રાસવાદને નાબૂદ કરાશે: રાજનાથ સિંહ
રાજૌરી/જમ્મુ: સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે ભારતીય લશ્કર જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદને નાબૂદ કરશે. તેમણે લશ્કરી દળોને અનુરોધ કર્યો હતો કે દેશના નાગરિકોને ઈજા પહોંચે એવી ભૂલો ન કરો.
સુરક્ષાની પરિસ્થિતિની સમીક્ષા કરવા દિવસની શરૂઆતમાં જમ્મુ અને કાશ્મીરમાં આવેલા રાજનાથ સિંહે કહ્યું હતું કે દેશની સુરક્ષા બજાવતી વખતે લોકોના હૃદય જીતવાની પણ લશ્કરી દળોની જવાબદારી છે.
પૂંછમાં આતંકવાદીએ લશ્કરી દળો પરના હુમલાને પગલે રાજનાથ રાજૌરી અને જમ્મુની એક દિવસની મુલાકાતે આવ્યા હતા.
૨૧ ડિસેમ્બરે આતંકવાદીઓએ લશ્કરના બે વાહનો પર હુમલો કરતાં ચાર સૈનિકો શહીદ થયા હતા. સુરક્ષા દળોએ પૂછપરછમાં પકડેલા ત્રણ નાગરિકો તેના પછીના દિવસે મૃત્યુ પામેલાની હાલતમાં મળી આવતા પ્રસરી ગયેલા રોષને પગલે રાજનાથ સિંહનું આ નિવેદન આવ્યું હતું.
સંરક્ષણ પ્રધાન સાથે લશ્કરના વડા મનોજ પાંડે અને લેફટનન્ટ ગવર્નર મનોજ સિંહા જમ્મુથી હવાઈમાર્ગે પૂંછ પહોંચ્યા હતા. રાજૌરીમાં લશ્કરી છાવણીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લશ્કરી દળોની બહાદુરીની સરાહના કરી હતી.
જનરલ પાંડે અને રાજ્યપાલ સિંહાની પડખે હતા ત્યારે રાજનાથ સિંહે કહ્યું હતું કે હું તમારી બહાદુરી અને અડગતામાં શ્રદ્ધા રાખું છું. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનો ખતમ થવો જોઈએ અને તમારે આ સંકલ્પ સાથે આગેકૂચ કરવાની છે. મને વિશ્ર્વાસ છે કે તમે વિજય મેળવશો.
લશ્કરી વાહનો પરના હુમલા બાદ લશ્કરે ત્રણ નાગરિકોને પૂછપરછ માટે પકડ્યા હતા. બીજા દિવસે તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. અટકમાં લેવાયેલા નાગરિકો પર સીતમ ગુજરવામાં આવે એવી વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો.
રાજનાથ સિંહે કહ્યું હતું કે લશ્કરના હુમલા સાંખી ન લેવાય. તમે પરિસ્થિતિ અનુસાર સાવધાન હો છો, પરંતુ વધુ સાવચેતી રાખવી પડશે. હું તમને ખાતરી આપુ છું કે સરકાર તમારી સાથે છે અને તમારું કલ્યાણ અમારો ટોચનો અગ્રતાક્રમ છે.
ત્રણ નાગરિકોના મરણ અંગે રાજનાથ સિંહે કહ્યું કે લશ્કરી દળો દેશના નાગરિકોને ઈજા પહોંચે એવી ભૂલો કરવાનું ટાળે. ભારતનું લશ્કર સામન્ય દળ નથી. લોકો સ્વીકારે છે કે લશ્કર પહેલાં કરતાં વધારે શક્તિશાળી છે અને બધા સાધનોથી સજ્જ છે. તમે દેશના રક્ષક છો, પરંતુ તમારે દેશનું રક્ષણ કરવાની સાથે લોકોના હૃદય જીતવા જોઈએ. (એજન્સી)