જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે, વંશવાદી રાજનીતિએ આ સુંદર પ્રદેશનો નાશ કર્યો: વડા પ્રધાન મોદી
જમ્મુ: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ તેના અંતિમ શ્વાસ લઈ રહ્યો છે એવું ભારપૂર્વક જણાવતાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉમેર્યું હતું કે તેમની સરકારે ‘આ સુંદર પ્રદેશ’ને નષ્ટ કરનાર વંશવાદી રાજકારણનો સામનો કરવા માટે નવા નેતૃત્વને તક આપી છે.
જમ્મુ ક્ષેત્રના ડોડા જિલ્લામાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં એક વિશાળ ચૂંટણી રેલીને સંબોધતાં મોદીએ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુન:સ્થાપિત કરવાના તેમની સરકારના વચનનો પણ પુનરોચ્ચાર કર્યો હતો અને લોકોને એનસી, કોંગ્રેસ અને પીડીપીને સત્તામાં પાછા લાવવા સામે ચેતવણી આપી હતી.
આ પણ વાંચો: જમ્મુ અને કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 4 આતંકીઓ ફસાયા
જમ્મુ અને કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં જમ્મુના ડોડા કિશ્તવાડ અને રામબનના ત્રણ જિલ્લાઓ દક્ષિણ કાશ્મીરના જિલ્લાઓ અનંતનાગ, પુલવામા, શોપિયાં અને કુલગામમાં ફેલાયેલી 24 બેઠકોને આવરી લેશે. પ્રથમ તબક્કાની આ 24 બેઠકની ચૂંટણી માટે વડાપ્રધાનની આ પ્રથમ ચૂંટણી રેલી હતી.
પ્રથમ તબક્કા બાદ 25 સપ્ટેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન થશે જ્યારે 26 મતવિસ્તારોમાં મતદાન થશે. 40 બેઠકો માટે 1 ઓક્ટોબરે અંતિમ તબક્કાનું મતદાન થશે. મોદીએ તેમના લગભગ 45 મિનિટના ભાષણની શરૂઆત કાશ્મીરી ભાષામાં રેલીમાં આવેલા લોકોનું સ્વાગત કરીને કરી હતી. ‘આ વખતે (વિધાનસભા) ચૂંટણી જમ્મુ અને કાશ્મીરનું ભાવિ નક્કી કરશે, જે સ્વતંત્રતા પછીથી વિદેશી શક્તિઓનું લક્ષ્ય રહ્યું છે,’ એમ તેમણે સભાને સંબોધતાં કહ્યું હતું.
છેલ્લા સાત દાયકામાં જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદ અને આતંદવાદને વધારવામાં આવ્યો હતો, જેથી તેમની ‘દુકાનો ચાલતી રહે’ એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે હું તમને કહેવા માગું છું કે જમ્મુ અને કાશ્મીરમાં હવે આતંકવાદ પોતાના આખરી શ્વાસ ગણી રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરની આગામની ચૂંટણી કેન્દ્ર શાસિત પ્રદેશનું ભાવિ નક્કી કરશે.
આ પણ વાંચો: ‘વડા પ્રધાન મોદી માનસિક રીતે હારી ગયા છે’ જમ્મુ અને કાશ્મીરમાં રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
તેમણે પાર્ટીના કાર્યકર્તાઓની રામબન અને કિશ્તવાડથી રેલીમાં સામેલ થવા માટે આવવા પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે વાસ્તવમાં હું તમારા ઉત્સાહને બિરદાવું છું. આઝાદી પછી જમ્મુ અને કાશમીર વિદેશી તાકાતોની આંખોમાં ખટકી રહ્યું હતું અને તેમણે કાવતરા કરવાનું ચાલુ કરી દીધું હતું. તેમણે કહ્યું હતું કે ત્યારબાદ પરિવારવાદના રાજકારણે જમ્મુ-કાશ્મીરને બરબાદ કરી નાખ્યું હતું.
તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ, એનસી અને પીડીપી 2000ની સાલથી જમ્મુ-કાશ્મીરમાં પંચાયત ચૂંટણીઓ કરાવવામાં નિષ્ફળ રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે ભાજપની જ સરકાર હતી જેમણે લોકશાહી નીચલા સ્તર સુધી પહોંચાડી છે. તેમણે કહ્યું હતું કે બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલ અને જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીઓ પહેલી વખત થઈ હતી અને યુવાનો આગળ આવ્યા હતા. વડા પ્રધાને કહ્યું હતું કે આગામી ચૂંટણી ત્રણ પરિવારો અને યુવાનો વચ્ચેની સીધી લડાઈ છે. એક તરફ એ ત્રણ પરિવારો છે અને બીજી તરફ મારી દીકરીઓ અને બહેનો છે જેઓ તેમના સપનાઓ સાકાર કરવા માટે મહેનત કરી રહ્યા છે.
આ પણ વાંચો: ‘જમ્મુ અને કાશ્મીરને ટૂંક સમયમાં રાજ્યનો દરજ્જો મળશે’ વડા પ્રધાનેમોદીએ શ્રીનગરથી જાહેરાત કરી
કાર્યકર્તાઓને સંબોેધતાં તેમણે કહ્યું હતું કે જે યુવાનો પોલીસ અને સુરક્ષા બળો પર પથ્થર ફેંકવા માટે પથ્થર ઉઠાવતા હતા તેઓ હવે મોટા વિચાર કરી રહ્યા છે. આ પથ્થરોનો ઉપયોગ હવે મોટી મોટી ઈમારતો બાંધવા માટે થઈ રહ્યો છે. કિશ્તવાડમાં ભાજપના ઉમેદવાર શગુન પરિહારની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે શગુનના માતા-પિતા બંનેને આતંકવાદીઓએ મારી નાખ્યા હતા.
તેમણે કહ્યું હતું કે અમે તેમને ચૂંટણી લડવા માટે ઉમેદવારી આપી હતી. તેઓ આતંકવાદ સામે અમારું હથિયાર છે. તેમણે કહ્યું હતું કે ભાજપ જ જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે. મોદીએ કહ્યું હતું કે અમે જમ્મુ-કાશ્મીરને આતંકવાદ મુક્ત ક્ષેત્ર અને પર્યટકો માટે સ્વર્ગ બનાવવા માટે કટિબદ્ધ છીએ.
તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર વૈશ્ર્વિક ફિલ્મ માટેનું ડેસ્ટિનેશન બનશે અને જલ્દી જ દિલ્હીથી શ્રીનગર માટે સીધી ટ્રેન ઉપલબ્ધ થશે. નેશનલ કોન્ફરન્સ, કૉન્ગ્રેસ અને પીડીપીના ચૂંટણી ઢંઢેરા પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે લોકોએ ભાજપના ચૂંટણી ઢંઢેરા અને અન્ય પક્ષોના ચૂંટણી ઢંઢેરા વચ્ચે પસંદગી કરવાની છે. જે લોકો જૂના ખરાબ દિવસો પાછા લાવવાની વકીલાત કરી રહ્યા છે.
મોદીએ કહ્યું હતું કે અન્ય ચૂંટણી ઢંઢેરામાં કલમ 370ને પાછા લાવવાની અને પહાડી, ગુજ્જર તેમ જ બકરવાલને આપવામાં આવેલું આરક્ષણ પાછું ખેંચી લેવાની વાત કરવામાં આવી છે. તેઓ વાલ્મિકી અને દલિતોના મતાધિકાર છીનવી લેવાની વકીલાત કરે છે.