જીવન ખર્ચ બાબતે ભારતમાં આ શહેર સૌથી મોંઘું, પાકિસ્તાનનું આ શહેર વિશ્વનું સૌથી સસ્તું

મર્સર (Mercer)એ વિદેશીઓ માટે જીવન ખર્ચના સંદર્ભમાં દુનિયાના શહેરોની 2024 માટે રેન્કિંગ જાહેર કરી છે. Mercer’s Cost of Living City rankings 2024 મુજબ હોંગકોંગ, સિંગાપોર અને ઝ્યુરિચ આંતરરાષ્ટ્રીય કર્મચારીઓ માટે વિશ્વના સૌથી મોંઘા શહેરો રહ્યા છે, આ શહેરોએ ગયા વર્ષથી તેમનું સ્થાન જાળવી રાખ્યું છે. અહેવાલ મુજબ પાકિસ્તાનનું ઇસ્લામાબાદ(Islamabad), નાઇજીરીયાના લાગોસ(Lagos) અને અબુજા(Abuja)માં જીવન ખર્ચના સૌથી ઓછો છે. ભારતનું મુંબઈ આ યાદીમાં વૈશ્વિક સ્તરે 136માં સ્થાને રહ્યું છે, મુંબઈ વિદેશીઓ માટે ભારતનું સૌથી મોંઘું શહેર છે જ્યારે દિલ્હી વિશ્વમાં 165મા સ્થાને છે.
આ યાદીમાં ચેન્નાઈ પાંચ પોઈન્ટ ઘટીને અને બેંગલુરુ છ પોઈન્ટ ઘટીને અનુક્રમે 189 અને 195 પર આવી ગયું. હૈદરાબાદ 202 પર છે; વિદેશીઓ માટે વિશ્વના સૌથી મોંઘા શહેરોની યાદીમાં પૂણે 205માં અને કોલકાતા 207માં સ્થાને છે. મર્સરની કોસ્ટ ઓફ લિવિંગ સિટી રેન્કિંગ 2024ની યાદીમાં વિશ્વના 226 શહેરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સૂચિમાં 200 થી વધુ વસ્તુઓ જેવી કે આવાસ, પરિવહન, ખોરાક, કપડાં અને મનોરંજનના ખર્ચનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Biharમાં એક પછી એક બ્રિજ તૂટી પડવાની ઘટના પહોંચી સુપ્રીમ કોર્ટ
સર્વેક્ષણ માટે ન્યુ યોર્ક સિટીને આધાર તરીકે લેવામાં આવ્યું હતું. સર્વેક્ષણ મુજબ ફુગાવો, એક્ષચેન્જ રેટ, આર્થિક તેમજ ભૌગોલિક રાજકીય અસ્થિરતા અને વધતા સંઘર્ષોને કારણે જીવન ખર્ચમાં વધારો થાય છે.
હોંગકોંગ જેવા શહેરોમાં મોંઘા આવાસ, ઉચ્ચ પરિવહન ખર્ચ અને મોંઘા સમાન અને સેવાઓને કારણે જીવન જીવવાની કિંમત ઊંચી છે. જ્યારે ચલણના અવમૂલ્યનને પરિણામે ઈસ્લામાબાદ, લાગોસ અને અબુજામાં રહેવાની કિંમતમાં ઘટાડો થયો હતો.
આ યાદી મુજબ ટોચના 10 સૌથી મોંઘા શહેરોમાં યુરોપિયના શહેરો છે. લંડન 8મા ક્રમે, કોપનહેગન (11), વિયેના (24), પેરિસ (29) અને એમ્સ્ટરડેમ (30) છે. દુબઈ 15મા ક્રમ પર વિદેશીઓ માટે મધ્ય પૂર્વનું સૌથી મોંઘું શહેર છે જ્યારે દક્ષિણ અમેરિકામાં, ઉરુગ્વે 42મા ક્રમ પર આંતરરાષ્ટ્રીય કર્મચારીઓ માટે સૌથી મોંઘું સ્થળ છે. ઉત્તર અમેરિકામાં, ન્યુ યોર્ક સિટી 7મા ક્રમે યાદીમાં ટોચ પર છે.