નેશનલ

મીરા-ભાયંદરમાં ત્રીજા દિવસે પણ ટેન્શન

પડઘામાં શોભાયાત્રા પર હુમલા પછી પોલીસનો ચાંપતો બંદોબસ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયા નગર વિસ્તારમાં તોફાની તત્ત્વો દ્વારા શોભાયાત્રા પર કરવામાં આવેલા હુમલા પછી ત્રીજા દિવસે પણ મીરા-ભાયંદરમાં તંગદિલીભર્યું વાતાવરણ હતું. મંગળવારની રાતે પથ્થરમારો કરી દુકાનોમાં તોડફોડની ઘટના સામે આવતાં પોલીસે સુરક્ષાવ્યવસ્થામાં વધારો કરવો પડ્યો હતો. બીજી બાજુ, પડઘામાં શોભાયાત્રામાં સામેલ લોકો પર શસ્ત્રો વડે હુમલાની ઘટના પછી સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હુમલા સંદર્ભે બે જણની ધરપકડ કરી પોલીસ અન્ય હુમલાખોરોની ઓળખ મેળવવા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે.

મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસનાં સૂત્રોના જણાવ્યા મુજબ ઠેર ઠેર પોલીસ છતાં મીરા રોડના કાશીમીરા, નયા નગર અને ભાયંદર પૂર્વના નવઘર પરિસરમાં મંગળવારની રાતે તોડફોડની ઘટનાઓ સામે આવી હતી. અજાણ્યા શખસો દ્વારા અમુક દુકાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક લોકો બાઈક પર આવીને પથ્થરમારો કરતાં નજરે પડે છે. ત્રણેય વિસ્તારની અમુક દુકાનોમાં તોડફોડને પગલે પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવ્યો હોવાનું પોલીસનું કહેવું છે.

હુમલો કરનારાઓની ઓળખ મેળવવા માટે પોલીસ દુકાનો બહાર લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે. હુમલાના કેસમાં પોલીસે બે જણની ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે રવિવારની રાતે નયા નગરમાં શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યા પછી પોલીસે ૧૩ જણને પકડી પાડ્યા હતા. તે સમયે પોલીસે ૫૦થી ૬૦ જણ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.

મીરા રોડના નયા નગર પરિસરમાંથી જય શ્રીરામના ધ્વજ સાથે કાઢવામાં આવેલી શોભાયાત્રા પર રવિવારની રાતે તોફાની તત્ત્વોએ હુમલો કર્યો હતો, જેમાં કેટલાંક વાહનોને નુકસાન પહોંચ્યું હતું તો અમુક લોકોને ઇજા થઈ હતી. આ ઘટના પછી નયા નગર આસપાસના પરિસરમાં પોલીસ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, રેપિડ ઍક્શન ફોર્સ અને મહારાષ્ટ્ર સિક્યોરિટી ફોર્સના જવાનોને તહેનાત કરી દેવામાં આવ્યા હતા.

કડક સુરક્ષાવ્યવસ્થા વચ્ચે મંગળવારે પણ મીરા રોડમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા ફ્લૅગ માર્ચ સુધ્ધાં કરવામાં આવી હતી. અમુક પરિસરમાં ટેન્શનને બાદ કરતાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે.

દરમિયાન સોમવારની રાતે પડઘાના બોરીવલી ગામમાં બાઈક અને પગપાળા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા પર લોખંડના સળિયા, બામ્બુ અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. અનેક બાઈકની તોડફોડ કરી ધ્વજ ફાડવામાં આવ્યા હતા. આ પ્રકરણે પડઘા પોલીસે ગુનો નોંધી કડક સુરક્ષા ગોઠવી દીધી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…