બિહારમાં મંદિરના કર્મચારીનોકપાયેલો મૃતદેહ મળતા તણાવ
ગોપાલગંજ (બિહાર): એક અઠવાડિયા અગાઉ ગુમ થયેલા સ્થાનિક મંદિરના કર્મચારીનો કપાયેલો મૃતદેહ બિહારના ગોપાલગંજ જિલ્લાસ્થિત ગામની ભાગોળેથી રવિવારે મળી આવ્યા બાદ તણાવ ઊભો થયો હોવાનું પોલીસે કહ્યું હતું.
મૃતક મનોજકુમાર છેલ્લે ગયા સોમવારે માન્ઝા ગામના દાનાપુર વિસ્તારમાં જોવા મળ્યો હતો અને તેનો મૃતદેહ શનિવારે મળી આવ્યો હોવાનું ગોપાલગંજના એસપી સ્વામ પ્રસાદે કહ્યું હતું.
મનોજ મંદિરનો પૂજારી હતો એવી અફવા ફેલાઈ હતી. એ મંદિરની સંભાળ રાખતો હતો અને મંદિરમાં જ ઊંઘી જતો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લે તેમણે મનોજકુમારને ગયા સોમવારે રાત્રે મંદિરને તાળું મારી બહાર જતા જોયો હતો.
મનોજકુમારના શરીર પર ગોળીના નિશાન, આંખો ગુમ અને ગુપ્તાંગ પર ઘા જોવા મળ્યા હોવા અંગે એસપીએ પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે આ સવાલોના જવાબ આપતા પહેલા પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે તેની રાહ જોવી જોઈએ.
હત્યા પાછળના આશય અંગે જણાવતાં તેમણે કહ્યું હતું કે આ મંદિર જમીન વિવાદમાં સપડાયું હતું.
ઘટનાને મામલે સઘન તપાસ કરવામાં આવી રહી છે અને ગુનેગારોને બક્ષવામાં નહીં આવે, એમ તેમણે કહ્યું હતું.
સ્થાનિક રહેવાસીની હત્યાના વિરોધમાં ગામવાસીઓએ રવિવારે સવારે હાઈવે પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પોલીસ ટુકડી ઘટનાસ્થળે ગઈ હતી, પરંતુ તેમના વાહનની તોડફોડ કરવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું.
જોકે પરિસ્થિતિ પર તરત જ નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું અને ઘટનાને મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું. પોલીસ પર હુમલો કરનારાઓને પણ પકડી પાડી સજા કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)