કર્ણાટકના આ મંદિરમાં કરંટ લાગવાથી દસ લોકોને કરવા પડ્યા દાખલ…

કર્ણાટક: કર્ણાટકના હાસનમાં એક મંદિરમાં કરંટ લાગવાથી મોટી ત્યાં હાજર લોકોમાં નાસભાગ થઇ ગઇ હતી. 20 લોકો ઘાયલ થયા હતા જેમાં દસ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
શુક્રવારે મોટી સંખ્યામાં ભક્તો હસનાંબે મંદિરમાં દર્શન માટે આવ્યા હતા. મંદિરમાં દર્શનાર્થે આવેલા ભક્તો રાહ જોઇને લાઇનમાં ઊભા હતા તે સમયે અચાનક ઈલેક્ટ્રીક શોક લાગ્યો હતો. લોકો એકબીજાને અડી અડીને ઊભા હોવાના કારણે ઘણા બધા લોકો ઈલેક્ટ્રીક શોકથી પ્રભાવિત થયા હતા જેમાં 20 લોકો પર ઈલેક્ટ્રીક શોકની અસર વધારે થઇ હતી.
નોંધનીય છે કે આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે અને ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે. મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને અન્ય મોટા નેતાઓ પણ હસનાંબેના દર્શન માટે આવતા હોય છે.
આ ઘટનામાં વધારે ઘાયલ થયેલા લગભગ 10 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર કરવામાં આવી રહી છે. જો કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પંખામાં શોર્ટ સર્કિટ થયું હતું જેના કારણે કરંટ લાગ્યો હતો અને લોકોમાં ભાગ દોડ મચી ગઇ હતી.