નવી દિલ્હી: ઉત્તર ભારતમાં હવે ઠંડી ચરમસીમાએ પહોંચી છે. ધૂમ્મસને કારણે લોકોની તકલીફ વધી ગઇ છે. મંગળવારે સવારે દિલ્હી-એનસીઆરમાં ઠંડીની સાથે સાથે રસ્તા પર ધૂમ્મસ છવાયેલું હતું. વહેલી સવારે યમુના નદીના કિનારા પર ધૂમ્મસની ચાદર દેખાઇ હતી. પાછલાં કેટલાંક દિવસોમાં દિલ્હી અને કાશ્મીરથી લઇને દક્ષિણમાં આવેલ તેલંગાણા અને દક્ષિણ પૂર્વના ઓડિશા સુધી 11 રાજ્યોમાં ધૂમસ્સને કારણે જાણે બધુ જ થંભી ગયું છે. ધૂમ્મસને કારણે સરખું દેખાતું ન હોવાથી રસ્તાઓથી માંડીને રેલવે અને વિમાન સેવાઓ પર માઠી અસર થઇ છે. દિલ્હીથી આઠ ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને તેલંગાણામાં રોડ અકસ્માતમાં 19 લોકોએ જીવ ગમાવ્યો છે. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં પારો શૂન્યથી પણ નીચે ગયો છે. જ્યાં પહેલગામમાં સૌથી વધુ ઠંડી છે.
દેશની રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે સાડા આઠ વાગે પણ દ્રશ્યતા શૂન્ય જ હતી. થોડા સમય બાદ પરિસ્થિતીમાં થોડો સુધાર આવ્યો અને દ્રશ્યતા 125 થી 175 મીટર સુધી વધી. જેને કારણે ઘણી ફ્લાઇટ ડીલે થઇ હતી. સાત ફ્લાઇટ જયપુર અને એકને અમદાવાદ મોકલવામાં આવી. દિલ્હી એરપોર્ટ પ્રશાસને મુસાફરોને ફ્લાઇટ પકડતા પહેલાં તેના સમયની જાણકારી મેળવવાની સલાહ આપી હતી.
હૈદરાબાદ એરપોર્ટ પર પણ ખરાબ વાતાવરણને કારણે મુંબઇ અને બેંગલુરુથી આવનારી વિસ્તારાની બે ફ્લાઇટને પાછી મોકલવામાં આવી હતી. 20 થી વધુ ટ્રેનો પર પણ વાતાવરણથી માઠી અસર થઇ છે. એક્સપર્ટ્સના મત મુજબ વર્ષના છેલ્લાં બે દિવસ વતાવરણમાં ફેરફાર થતાં યૂપી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને તામીળનાડૂમાં વરસાદની શક્યતાઓ રહેલી છે.
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો