પાટનગર દિલ્હી માર્ચ અંતમાં તપ્યું, આજનો દિવસ સૌથી વધુ ગરમ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં આકાશમાંથી જાણે આગ વરસી રહી હોય તેવી આકરી ગરમીનો સમયગાળો શરૂ થઈ ગયો છે. આજે બુધવાર સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. આજે રાજધાનીનું મહત્તમ તાપમાન 39 ડિગ્રીની નજીક પહોંચી ગયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 17.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સફદરજંગમાં મહત્તમ તાપમાન 38.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો
રાજધાની દિલ્હીનું નોંધાયેલું આ તાપમાન ગઈકાલના મહત્તમ તાપમાન કરતા લગભગ 2 ડિગ્રી જેટલુ વધારે છે. સોમવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 4.5 ડિગ્રી વધારે હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ભેજનું સ્તર 81% થી 17% ની વચ્ચે હતું.
આ પણ વાંચો: Gujarat Weather: રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાયો, 30મી માર્ચ બાદ ફરી વળશે ગરમીનું મોજું…
ગરમીથી મળી શકે છે રાહત
ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર 27 માર્ચે મહત્તમ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. ત્યારબાદ આગામી બે દિવસમાં ગરમીથી થોડી વધુ રાહત મળી શકે છે. IMD અનુસાર, મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જોકે હવામાન વિભાગે લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે.