“અમે મોમો નથી, ભારતીય છીએ” અમને ‘ચીની’ કહેનારા સાંભળી લે… નાગાલેન્ડના મંત્રીનો આકરો મિજાજ

નવી દિલ્હી: તાજેતરમાં જ ત્રિપુરાના એક વિદ્યાર્થીની ઉત્તરાખંડના દહેરાદૂનમાં થયેલા મોતની ઘટનાએ ભારત અને ખાસ કરીને પૂર્વોતર ભારતને હચમચાવી દીધું છે. એવો પણ આરોપ છે કે આ ઘટના દરમિયાન જાતિગત ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી. ત્યારે પોતાના હાજરજવાબીપણા અને હળવા અંદાજ માટે ચર્ચામાં રહેતા નાગાલેન્ડના મંત્રી તેમજેન ઈમ્ના અલોન્ગે આ મામલે ગંભીર પ્રીતિક્રિયા આપી હતી.
તેમણે કહ્યું હતું કે, “અમે પોતાને કોઇપણ રીતે ચાઈનીઝ નથી માનતા, અને અમે ‘મોમો’ પણ નથી. મોમો એક ડિશ છે, ખાવાની વસ્તુ છે અને ખૂબ સારી ડીશ છે. લોકોએ તેને ખાવી જોઈએ, પરંતુ માણસોને ખાવાની વસ્તુના નામથી બોલાવવો અને તેઓને પારકા સમજવા સંપૂર્ણપણે ખોટું છે.
તેમજેન ઈમ્ના અલોન્ગે એ વાત પર ભાર મૂક્યો હતો કે પૂર્વોતરના લોકો ભારતનો અભિન્ન હિસ્સો છે. તેમણે એ લોકોની માનસિકતા પર સવાલ ઉઠાવ્યો હતો કે જેઓ આજે પણ શારીરિક બાંધાના આધારે લોકોને દેશના નાગરિકોને બહારના અથવા વિદેશી સમજે છે. તેમણે કહ્યું હતું કે કાઇ પણ બોલતા પહેલા વિચારવું જોઈએ કે તેમના શબ્દો કોઇની ભાવના અને તેમની ઓળખને ઊંડા ઘાવ પહોંચાડી શકે છે.



