Telegram પર કન્ટેન્ટ શેર કરતા પહેલા ધ્યાન રાખજો! કંપનીએ પોલિસીમાં મોટા ફેરફારો કર્યા
નવી દિલ્હી: ટેલિગ્રામ મેસેજિંગ એપ (Telegram) ગેરકાયદે કન્ટેન્ટની આપલે અને પાયરસીના આરોપસર અનેક વખત વિવાદોમાં સપડાઈ ચુકી છે. ટેલિગ્રામના CEO પાવેલ દુરોવ(Pavel Durov)ની ફ્રાન્સમાં ધરપકડ કંપની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જેને કારણે કંપનીએ પોલિસીમાં ઘટના ફેરફારો કર્યા છે, ટેલિગ્રામે ગઈ કાલે સોમવારે પ્રાયવસી પોલિસીમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. એપ્લિકેશનને હવે ગુનાહિત તપાસમાં ન્યાયિક અધિકારીઓ સાથે યુઝર્સના IP એડ્રેસ અને ફોન નંબર શેર કરવાની મંજૂરી આપી છે.
આંતરાષ્ટ્રીય મીડિયા અહેવાલ મુજબ, આ ફેરફારો ગયા મહિને ટેલિગ્રામના CEO પાવેલ દુરોવની ફ્રાન્સમાં ધરપકડ થયા બાદ કરવામાં આવ્યા છે. દુરોવ પર ડ્રગ હેરફેર અને ચાઈલ્ડ પોર્નોગ્રાફીની શેર કરવા સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ છે.
દુરોવે જણાવ્યું હતું કે પ્રાઈવસી અને સિક્યોરીટી વચ્ચે યોગ્ય સંતુલન જાળવવા માટે આ પગલું જરૂરી હતું. દુરોવે કહ્યું કે પ્રાઈવસી અને સિક્યોરીટી વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું સરળ નથી. અગાઉ, ટેલિગ્રામ માત્ર શંકાસ્પદ આતંકવાદી કેસોમાં યુઝર ડેટા શેર કરવા માટે સંમત થયું હતું. નવી શરતો મુજબ કોઈપણ ગુનાહિત તપાસ માટે યુઝરના ડેટા અધિકારીઓ સાથે શેર કરવામાં આવશે.
ફ્રાંસના પ્રસાશને ઓગસ્ટમાં દુરોવની અટકાયત કરી હતી, તેમના પર ગુનેગારો દ્વારા ટેલીગ્રામના દુરુપયોગને રોકવામાં નિષ્ફળ રહેવાનીઓ આરોપ છે. ટેલિગ્રામ લાંબા સમયથી તેની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન અને મિનીમમ ડેટા સ્ટોરેજ પોલિસીને કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટેનું સ્થળ બન્યું હોવા બદલ નિશાના હેઠળ આવ્યું હતું.
દુરોવ રશિયન મૂળના ઉદ્યોગપતિ છે કે જેઓ ફ્રેન્ચ નાગરિકતા ધરાવે છે, તેમને €5M જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તપાસ ચાલુ રહે ત્યાં સુધી ફ્રાન્સમાં જ રહેવું પડશે. ટેલિગ્રામના સીઈઓએ આરોપોને નકારી કાઢ્યા હોવા છતાં, તેમણે જૂના કાયદાનો દુરુપયોગ ગણાવ્યો હતો.