નેશનલ

લોકસભામાં દૂરસંચાર વિધેયક-2023 થયું રજૂ.. જાણો આ બિલથી કોની સત્તા પર તરાપ મારશે સરકાર?

કેન્દ્રીય સંચાર પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોમવારે લોકસભામાં દૂરસંચાર વિધેયક-2023 રજૂ કર્યું હતું.

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રના 11મા દિવસે મોદી સરકારે લોકસભામાં ટેલિકોમ્યુનિકેશન બિલ-2023 રજૂ કર્યું હતું. આ બિલ અંતર્ગત રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે સરકાર પાસે કોઇપણ નેટવર્ક સેવા પર પ્રતિબંધ મૂકવા તથા તેને રદ કરવાની સત્તા હશે.

ટેલિકોમ્યુનિકેશન બીલ-2023માં રજૂઆત કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર જાહેર સુરક્ષા અને કટોકટીની સ્થિતિમાં કોઇપણ ટેલિકોમ્યુનિકેશન સર્વિસ પર અસ્થાયીપણે કબજો કરી શકશે. જો આ બિલ પસાર થાય તો તે ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ 1885, ભારતીય વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ-1933 અને ટેલિગ્રાફ એક્ટ-1950નું સ્થાન લેશે. સરકારની દલીલ છે કે આમાંથી કેટલાક કાયદા 138 વર્ષ જૂના છે. ટેલિકોમ્યુનિકેશનમાં ઝડપથી ઉભરી રહેલી ટેક્નોલોજીને જોતાં નવા કાયદાની જરૂર છે.

બિલમાં કહેવામાં આવ્યું છે કે માન્યતા પ્રાપ્ત મીડિયાકર્મીઓના સંદેશાને ત્યાં સુધી અટકાવવામાં આવશે નહીં જ્યાં સુધી રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ તેના પ્રસારણ પર કોઇ પ્રતિબંધ ન હોય. “ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યના સંરક્ષણ અને સુરક્ષાના હિતમાં, કેન્દ્ર સરકાર કોઈપણ વ્યક્તિ અથવા વર્ગના વ્યક્તિઓને કોઈપણ ટેલિકોમ્યુનિકેશન ઉપકરણો દ્વારા અથવા તેના દ્વારા મોકલાતા કોઈપણ સંદેશા નિર્દેશિત કરી શકે છે. કોઈપણ પ્રકારનો સંદેશ, કોઈ પણ ખાસ વિષય સાથે સંબંધિત, કોઈ પણ ટેલિકોમ્યુનિકેશન સેવા અથવા ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક પર પ્રસારિત કરવા માટે લાવવામાં આવેલ સદેશાનું પ્રસારણ અટકાવવામાં આવશે.”

સંદેશાને ગેરકાયદે અવરોધવા બદલ 3 વર્ષ સુધીની જેલ, 2 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઇ છે. ડ્રાફ્ટમાં કાયદાના ભંગ બદલ વ્યક્તિ સામે કયા પ્રકારે પગલા લેવામાં આવશે તે જણાવવામાં આવ્યું છે.

વર્ષ 2023માં બહાર પાડવામાં આવેલા ટેલિકોમ્યુનિકેશન બિલના ડ્રાફ્ટમાં, વપરાશકર્તાઓની સુરક્ષા વધારવા માટે ટેલિકોમ્યુનિકેશનની વ્યાખ્યા હેઠળ ઓવર-ધ-ટોપ (OTT) અથવા ઇન્ટરનેટ આધારિત કૉલિંગ અને મેસેજિંગ એપ્લિકેશન્સ લાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ બિલમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ની સત્તાને અંકુશમાં લેવાનો પણ પ્રસ્તાવ છે, જેના પર ટેલિકોમ્યુનિકેશન કંપનીઓએ ચિંતા વ્યક્ત કરી હતી.

સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર કેબિનેટની મંજૂરી મળે તે પહેલા જ ઓવર-ધ-ટોપ ખેલાડીઓ અને ટ્રાઈ સંબંધિત મુદ્દાઓ ઉકેલાઈ ગયા હતા. આ બિલમાં હવે ઓવર-ધ-ટોપ (OTT) પ્લેયર્સ અથવા એપ્સને ટેલિકોમ્યુનિકેશન સર્વિસની વ્યાખ્યામાંથી દૂર કરવામાં આવી છે. આ સિવાય વોટ્સએપ અને ટેલિગ્રામ પણ આ બિલના નિયમોમાંથી બાકાત રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button