તેલંગણામાં ચાલતી બસમાં લાગી આગ, મુસાફરો બારીના કાચ તોડી બહાર કૂદી પડ્યા
હૈદરાબાદઃ તેલંગણાના જોગુલામ્બા ગડવાલ જિલ્લામાં શનિવારે વહેલી સવારે એક ખાનગી બસમાં આગ લાગતાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય ચાર મુસાફર ઘાયલ થયા હતા, એવા સમાચાર જાણવા મળ્યા છે. આ ઘટના હૈદરાબાદ-બેંગલુરુ નેશનલ હાઈવે પર એરાવલ્લી ઈન્ટરસેક્શન નજીક સવારે 2.30 વાગ્યે બની હતી.
મળતી માહિતી મુજબ હૈદરાબાદથી ચિત્તૂર જઈ રહેલી ખાનગી ટ્રાવેલ કંપનીની વોલ્વો બસ પલટી ગઈ હતી, જેને કારણે તેમાં આગ લાગી ગઇ હતી. બસમાં 40-50 મુસાફરો હતા. લગભગ તમામ મુસાફરો બારીના કાચ તોડીને બહાર કૂદી પડ્યા હતા, પરંતુ એક મહિલા આગની જ્વાળામાં ફસાઈ ગઈ હતી અને બહાર નહોતી નીકળી શકી, પરિણામે તેનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં અન્ય ચાર મુસાફરોને ઈજા થઈ હતી. તેમાંથી ત્રણને ગડવાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય એકને હૈદરાબાદ ખાતેની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. બસ સંપૂર્ણ રીતે બળીને ખાક થઇ ગઇ છે. બસ કેવી રીતે પલટી ગઇ તેના કારણોની તપાસ કરવામાં આવી રહી છે, પણ પોલીસનું એવું માનવું છે કે બસના ડ્રાઇવરને બસ ચલાવતી વખતે ઝોકું આવી ગયું હશે, જેના કારણે આ અકસ્માત થયો હોઇ શકે છે. હાલમાં તો પોલીસે આ અકસ્માતની નોંધ કરીને તપાસ શરૂ કરી છે.